શિક્ષણ ખાતાના સચિવ, અપર સચિવ સામે બિનજામીનપાત્ર વોરન્ટ
શિક્ષકોની પગાર ચૂકવણીનો આદેશનો અનાદર
આદેશ નહીં પાળવાનું કોઈ સંતોષકારક કારણ ન હોવાની બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચની નોંધ
મુંબઈ : શિક્ષકોને પગાર અને એરિયર્સ ચૂકવવા સંબંધી આદેશનું પાલન નહીં કરવા બદલ શિક્ષણ ખાતાના સચિવ અને અપર સચિવ સામે બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યું છે.
ચત્રા મેહરે કરેલી અવમાન અરજી પર કોર્ટે આ આદેશ આપ્યો હતો. મહેરે અરજીમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત શિક્ષકોને દિવ્યાંગ બાળકોને ભણાવવા રાખ્યા હતા પણ તેમને સ્કિલ્ડ ટીચર માટેના પગાર ધોરણ અનુસાર પગાર અપાતો નથી.
૨૦૧૮માં મેહર સહિત કેટલાંક શિક્ષકો કોર્ટમાં ગયા હતા અને પગાર ધોરણ સુધારવા માગણી કરી હતી. ૨૦૨૨માં કોર્ટે સરકારને રૃ. ૨.૧૩ કરોડની બાકી રકમ અને અન્ય એરિયર્સ ચૂકવવા નિર્દેશ આપ્યો હતો. પણ કોર્ટના આદેશનું પાલન થયું નહોવાથી અવમાન અરજી ગયા વર્ષે કરાઈ હતી. સપ્ટેમ્બરમાં કોર્ટે સચિવને પહેલી નવેમ્બરે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું પણ તેઓ હાજર રહ્યા નહોતા. આદેશનું પાલન નહીં કરવાનો કોઈ સંતોષકારક જવાબ નહોવાનંંું કોર્ટે નોંધ્યું હતું અને સચિવ રણજીત સિંહ દેઉલ અને અપર સચિવ સંતષ ગાયકવાડ સામે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કરતો આદેશ આપ્યો છે. કોર્ટે તેમને છઠ્ઠી નવેમ્બરે હાજર કરવા પોલીસ કમિશનરને નિર્દેશ આપ્યો છે.