સંજય રાઉતે કરેલા બદનક્ષી કેસમાં નિતેશ રાણે સામે બિનજામીનપાત્ર વોરંટ
કોર્ટમાં હાજર નહીં રહેતા ભાજપના વિધાનસભ્ય સામે કોર્ટનું પગલું
અગાઉ પણ આવું ર્વાંરંટ જારી થયા બાદ હાજર થતાં રદ કરાયું હતું : હાજર રહેવામાંથી મુક્તિની અરજી કોર્ટે ફગાવી
મુંબઈ : શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે કરેલી બદનક્ષીની ફરિયાદના કેસમાં ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે અદાલતમાં હાજર ન થતાં અદાલતે તેમની સામે ર્ બિન-જામીનપાત્ર વોરંટ બહાર પાડયું છે. મંગળવારે કોર્ટમાં નિતેશ રાણે હાજર થયા ન હતા આથી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ કલાસ)આરતી એ કુલકર્ણીએ એનબીડબલ્યુ (નોન-બેલેબલ વોરંટ- બિનજામીનપાત્ર વોરંટ) બહાર પાડયું હતું.
આ અગાઉ જાન્યુઆરીમાં પણ કોર્ટે રાણે સામે એનબીડબલ્યુ વોરંટ બહાર પાડયું હતું. જે ૨૬મી ફેબુ્રઆરીએ રાણે હાજર થયા હતા તે પછી રદ કરવામાં આવ્યું હતું. રાણેને રૃ.૧૦૦નો દંડ કરવામાં આવ્યો હતો. તે પછી તેમણે જામીન માટે અરજી કરી હતી જે માન્ય રાખવામાં આવી હતી.
તે પછી રાણે કોર્ટમાં હાજર થયા નથી અને વિવિધ કારણસર હાજર રહેવામાંથી મુક્તિ માંગી છે. મંગળવારે કોર્ટે રાણેની હાજર થવામાંથી મુક્તિ માંગતી અરજી ફગાવી દીધી હતી.
રાણે સામે વોરંટ બહાર પાડવાની વિનંતી કરતી અરજી ફરિયાદી રાઉતના વકીલે રજૂ કરી હતી જે કોર્ટે મંજૂર કરી હતી. વધુ સુનાવણી ૧૭મી ઓકટોબરે રાખવામાં આવી છે.
રાણેએ રાઉતને મે ૨૦૨૩માં કથિત રીતે 'સાપ' તરીકે સંબોધન કર્યું તહું. રાણેએ સંજય રાઉતની સરખામણી સાપ સાથે કરી હતી અને કહ્યું હતું કે તેઓ ઉધ્ધવ ઠાકરેને છેતરીને એનસીપી (શરદ પવાર)માં જોડાઈ જશે.
રાણેની બદનક્ષી કરતી અને સ્પષ્ટપણે ખોટી ટિપ્પણી માટે રાણે સામે પગલાં ભરવા. રાઉતે મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ કરી હતી.
મહારાષ્ટ્રમાં વિધાનસભામાં કંકાવલીનું પ્રતિનિત્ત્વ કરતા રાણે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેના પુત્ર છે.
નવેમ્બર ૨૦૨૩માં પણ મેજિસ્ટ્રેટ કોર્ટે જામીનપાત્ર વોરંટ બહાર પાડયું હતું જે ડિસેમ્બરમાં રદ કરાયું હતું અને પ્રત્યક્ષ હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી હતી.