કોર્ટમાં હાજરી ટાળતાં પ્રજ્ઞાસિંહ ઠાકુર સામે નોનબેઈલેબલ એરેસ્ટ વોરંટ
માલેગાંવ બ્લાસ્ટ ટ્રાયલમાં ગત જુન માસથી હાજર નહિ
અંતિમ દલીલ ચાલુ હોઈ આરોપીની હાજરી જરૃરી હોવાની કોર્ટની ચેતવણીઃ તબીબી પ્રમાણપત્રો નહિ જોડતાં મુક્તિની અરજી ફગાવી
મુંબઈ : અહીંની એક વિશેષ એનઆઇએ કોટ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસના આરોપી ભાજપ નેતા પ્રજ્ઞાાસિંહ ઠાકુર સામે કોર્ટની કાર્યવાહીમાં હાજરી ન આપવા બદ્દલ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. અંતિમ દલીલ ચાલુ હોઈ આરોપીની હાજરી જરૃરી છે, તેવું વિશેષ ન્યાયધીશ એ. કે. લાહોટીએ નોંધ્યું હતું. તેમણે ઠાકુર સામે રૃ. ૧૦ હજારનું જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.
આ વોરંટ ૧૩ નવેમ્બર સુધીમાં પરત કરી શકાય છે. એટલે કે ઠાકુરે ત્યાં સુધીમાં કોર્ટમાં હાજર રહેવું પડશે અને તેને રદ્દ કરાવવાનું રહેશે. આ સમયે ઠાકુર વતી હાજર રહેલા તેમના વકીલે એનઆઇએની વિશેષ અદાલતમાં હાજર રહેવા માટે ઠાકુરની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો ઉલ્લેખ કરી યોગ્ય સમય આપવાની માગણી કરી હતી, પરંતુ કોર્ટે નોંધ્યું હતું કે આરોપી નંબર-૧ ઠાકુર ૪ જૂનથી કોર્ટની કોઈ કાર્યવાહીમાં હાજર રહ્યા નથી. આ બાબતે વિશેષ ન્યાયધીશે જણાવ્યું હતું કે બીમારી અને હોસ્પિટલમાં દાખલ થવાને આધારે મુક્તિ માટેની ઠાકુરની ભૂતકાળની અરજીઓ સમયાંતરે ધ્યાનમાં લેવામાં આવી હતી.
કોર્ટે ઠાકુરની અરજીને ફગાવી દેતા નોંધ્યું હતું કે 'આજે તબીબી પ્રમાણપત્રની કોપી સાથે અરજી દાખલ કરવામાં આવી છે. જે દર્શાવે છે કે તેઓ આયુર્વેદિક સારવાર લઈ રહ્યા છે, પરંતુ અસલ પ્રમાણપત્ર જોડવામાં આવ્યા નથી.'
૨૯ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ મુંબઈથી લગભગ ૨૦૦ કિ.મી. દૂર ઉત્તર મહારાષ્ટ્રના માલેગાંવમાં એક મસ્જિદ પાસે મોટરસાઇકલ સાથે બાંધેલું વિસ્ફોટક ઉપકરણ ફાટતા છ લોકોના મોત થયા હતા અને ૧૦૦થી વધુ ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટ બાબતે ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પુરોહિત અને અન્ય પાંચ સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુપીએ) અને આઇપીસીની વિવિધ કલમો હેઠળ વિસ્ફોટના કાવતરામાં કથિત સંડોવણી માટે ટ્રાયલ ચાલી રહી છે. ૨૦૧૧માં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને ટ્રાન્સફર થતા પહેલા આ કેસની શરૃઆતમાં મહારાષ્ટ્ર એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.