મહારાષ્ટ્ર વિધાનસભા માટે આજથી ઉમેદવારીપત્રો ભરાશે
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટો
જાહેરનામું પ્રગટ થવા સાથે ચૂંટણી પ્રક્રિયાનો વિધિવત્ત પ્રારંભ થશે
મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના સમયપત્રક મુજબ આવતી કાલ મંગળવાર તા. ૨૨ ઓક્ટોબરથી ઉમેદવારી પત્રક ભરવાની શરૃઆત થશે. ફોર્મ ભરવાની અંતિમ મંગળવાર તારીખ ૨૯ ઓક્ટોબર છે.
જ્યારે ઉમેદવારી પત્રકની ચકાસણી બુધવાર તા. ૩૦ ઓક્ટોબરના રોજ થશે. જ્યારે દિવાળી તહેવારો વીત્યા બાદ તા. ચોથી નવેમ્બર સુધી ફોર્મ પાછું ખેંચી શકાશે. ફોર્મ પાછું ખેંચાય અને ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બને તે પછી ૧૫ જ દિવસ પ્રચારના મળશે.
ચૂંટણી પંચે ગયા મંગળવારે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. જોકે, ચૂંટણીનું જાહેરનામું આવતીકાલે ઔપચારિક રીતે પ્રગટ થશે. તે સાથે જ ઉમેદવારી પત્રો ભરાવાનો પ્રારંભ થશે.
જિલ્લા મથકો તથા તાલુકા મથકોએ રિટર્નિંગ ઓફિસરોની કચેરીમાં આ માટેની તમામ વ્યવસ્થા ચૂંટણી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી હતી. ફોર્મ ભરતી વખતે સાથે રહેનારા ટેકેદારોની સંખ્યા, વાહનોની સંખ્યા વગેરે અંગે રાજકીય પક્ષોને આગોતરી માહિતી આપી દેવાઈ છે.