અચાનક હાર્ટ એટેક અને કોરોનાની રસી વચ્ચે કોઇ જ સંબંધ નથી
આઇ.સી.એમ.આર.નો વિશિષ્ટ તબીબી અભ્યાસ
18થી 45 વય જૂથના પુખ્ત લોકોનો સમાવેશ : નવ રાત્રિ દરમિયાન સડન હાર્ટ એટેકની ઘટનાઓ બની હતી
મુંબઇ : મહારાષ્ટ્ર અને ગુજરાતમાં યુવાનો હૃદય રોગના અચાનક હુમલાનો ભોગ બની રહ્યા હોવાની ચિંતાજનક ઘટનાઓ બની છે. જોકે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઇ.સી.એમ.આર.) દ્વારા થયેલા તબીબી અભ્યાસમાં એવો નિર્દેશ છે કે આ બધાં યુવાનો કોવિડ -૧૯ મહામારીના ચેપથી બચવા માટે આપવામાં આવેલી રસીની વિપરીત અસરથી સડન કાર્ડિયાક એરેસ્ટ કે હાર્ટ એટેકનો ભોગ નથી બન્યા. અભ્યાસ અનુસાર યુવાનોમાં જોવા મળતી હાર્ટ એટેકની કે કાર્ડિયાક એરેસ્ટની ઘટનાઓ માટે કોવિડ -૧૯ની રસી કારણભૂત નથી.
આઇ.સી.એમ.આર. નો રિપોર્ટ જોકે હજી પ્રસિદ્ધ નથી થયો. આ તબીબી અભ્યાસમાં હૃદય રોગના અચાનક હુમલાથી મૃત્યુ પામેલા ૧૮ થી ૪૫ વર્ષની વયના પુખ્ત વયના લોકોની વિગતોનો સમાવેશ થયો છે.
આઇ.સી.એમ.આર.ના અહેવાલમાં ભારતની યુવા પેઢીની બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી તથા આરોગ્યની સમસ્યાનો ઉલ્લેખ થયો છે.
આઇ.સી.એમ.આર.ના એક ઉચ્ચ અધિકારીએ એવી માહિતી આપી હતી કે આ તબીબી અભ્યાસ દ્વારા એવું જાણવા મળ્યું છે કે ખરેખર તો કોવિડ -૧૯ ની રસીથી પુખ્ત વયનાં લોકોમાંહાર્ટ એટેકના અચાનક હુમલાનું જોખમ ઘટયું છે. તેમની સુરક્ષા વધી છે. હા, આ વય જૂથનાં લોકોના પરિવારમાં અગાઉ આવા સડન ડેથની ઘટનાઓ બની હોય, કોવિડ -૧૯ના ચેપની સારવાર માટે દરદી હોસ્પિટલમાં દાખલ થયો હોય, શરાબની કુટેવ, હાર્ટ એટેકના અચાનક હુમલા અગાઉ કોઇ સખત કહી શકાય તેવી શારીરિક પ્રવૃત્તિ કરી હોય વગેરે પરિબળો પણ કારણભૂત બની શકે.
તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ સલાહ આપી હતી કે જે જે યુવાનોને અગાઉ કોવિડ -૧૯નો ચેપ લાગ્યો હતો તેઓએ એક કે બે વર્ષ સુધી શારીરિક મહેનત કે સખત કસરત ન કરવી જોઇએ. તેઓ આવી શિસ્તનું પાલન કરશે તો તેમને અચાનક હાર્ટ એટેકનું જોખમ નહીં રહે.
હજી હમણાં જ પૂરા થયેલા નવ રાત્ર ઉત્સવ દરમિયાન સડન હાર્ટ એટેકની અમુક ઘટનાઓ બની હોવાના અખબારી અહેવાલ પ્રસિદ્ધ થયા છે.
આઇ.સી.એમ.આર.ના તબીબી અભ્યાસમાં આવા કુલ ૭૨૯ કેસનો સમાવેશ થયો છે.સાથોસાથ ધૂમ્રપાન, શરાબપાન, સખત કસરત કે શારીરિક મહેનત, કોરોનાના ચેપની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હોય, કોરોનાની રસી લીધી હોય વગેરે પાસાંનો પણ સમાવેશ થયો છે.