Get The App

સોશિયલ મીડિયાની માહિતી પરથી પીઆઈએલ ન થાયઃ હાઈકોર્ટ

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
સોશિયલ મીડિયાની માહિતી પરથી પીઆઈએલ ન થાયઃ હાઈકોર્ટ 1 - image


બેજવાબદાર અરજી કરીને અદાલતનો સમય વેડફાઈ રહ્યાનો ઠપકો

અસલામત જળાશયોને લીધે વર્ષે દોઢથી બે હજાર મૃત્યુ થતા હોવાનો  દાવોઃ કોઈ અકસ્માતે ડૂબે તેમાં જનહિત ક્યાં આવ્યું 

મુંબઈ, તા. ૨૮

સોશિયલ મિડિયા પરથી મેળવેલી માહિતી જનહિત અરજીની યાચિકાનો હિસ્સો હોઈ શકે નહીં, એમ બોમ્બે હાઈ કોર્ટે રાજ્યમાં દર વર્ષે અસલામત જળાશયોને લીધે ૧૫૦૦થી ૨૦૦૦ લોકો જીવ ગુમાવતા હોવાનો દાવો કરતી અરજીની સુનાવણીમાં નોંધ કરી હતી.

 સરકારને વોટરફોલ અને જશળાશયોની સલામતીના પગલાં લેવાનો નિર્દેશ ઈચ્છતી વકિલ અજીત સિંહ ઘોરપડની અરજીની  સુનાવણી મુખ્ય ન્યા. ઉપાધ્યાય અને ન્યા. ડોક્ટરની બેન્ચે નકારી હતી.

અરજદારના વકિલે દાવો કર્યો હતો કે દર વર્ષે આવા અસલામત જળસ્રોતને કારણે દોઢથી બે હજાર લોકો જીવ ગુમાવે છે. કોર્ટે આ માહિતી ક્યાંથી મળી એવો સવાલ કરતાં અરજદારના વકિલે અખબાર અને સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી માહિતી મળ્યાનું જણાવ્યું હતું. અરજી અસ્પષ્ટ અને વિગત વિનાની હોવાનું કોર્ટે જણાવ્યું હતું.

સોશ્યલ મીડિયા પરથી મેળવેલી માહિતી અરજીની યાચિકાનો ભાગ હોઈ શકે નહીં. જનહિત અરજી કરતી વખતે તમે બેજવાબદારી વર્તી શકો નહીં. તમે અદાલતનો સમય વેડફી રહ્યા છો, એમ મુખ્ય ન્યા. ઉપાધ્યાયે જણાવ્યું હતું.

કોઈક પિકનિક મનાવવા ગયું અને અકસ્માતે ડૂબી ગયું, આથી જનહિત અરજી? કોઈ અકસ્માતે ડૂબી જાય તેમાં મૂળભૂત અધિકારનો ભંગ ક્યાં થયો? એવો સવાલ કોર્ટે અરજદારની ઝાટકણી કાઢતાં કર્યો હતો. બેદરકારીને કારણે મોટાભાગના અકસ્માતો થાય છે. તમે સરકાર પાસે શું ઈચ્છો છો દરેક વોટરફોલ અને જળાશય પાસે પોલીસ તહેનાત રાખે? 

અરજદારના વકિલે કોર્ટને જણાવ્યું હતું કે ઘણી વાર ડૂબી જવાની ઘટના સમયે બચાવ ટીમ નથી હોતી જેને કારણે બેથી ત્રણ દિવસ બાદ મૃતદેહ મળે છે. આથી કોર્ટે અરજદારને સવાલ કર્યો હતો કે તેમણે આવા કોઈ જળાશયની મુલાકાત લીધી છે કે જે વધુ અસલામત અને જોખમી હોય?

કોર્ટે અરજદારને અરજી પાછી ખેંચવા કહ્યું અને યોગ્ય વિગત સાથે સારી અરજી કરી શકાતી હોવાનું જણાવ્યુંહતું.  અરજદારે અરજી પાછી ખેંચવાની સંમતિ દર્શાવી હતી.


Google NewsGoogle News