કોઈએ વોટ માગવા આવવું નહીં : કાંદા ઉત્પાદકોએ બોર્ડ લગાડયાં
નિકાસ બંધી સહિતના મુદ્દે કોઈ નેતા કામ ન લાગ્યા
અમારે મત આપવો કે નહીં તે અમે નક્કી કરીશું, ઠેરઠેર વિરોધના પોસ્ટર્સ લાગ્યાં
મુંબઈ : લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ નાસિક જિલ્લાની માલવાડી ગ્રામ પંચાયતના આર્થિક સંકટનો સામનો કરી રહેલાં કાંદાના તમામ ઉત્પાદકોએ ભેગાં થઈ 'હવે અમે નક્કી કરીશું અમારે વોટ કરવો કે નહીં' એવા લખાણનું સાઈનબોર્ડ લગાવ્યું છે. તેમણે તમામ નેતાઓને આ ગામોમાં ચૂંટણી પ્રચારની તસ્દી નહીં લેવા પણ જણાવ્યું છે.
આવા બોર્ડ અત્યારે નાસિકમાં મોટી સંખ્યામાં જ્યાં કાંદાના ખેડૂતો છે, એવા અનેક સ્થળોએ જોવા મળી રહ્યાં છે.
ડુંગળીના ઉત્પાદકો છેલ્લાં ઘણા વર્ષોથી આર્થિક સંકડામણ ભોગવી રહ્યાં છે. ડુંગળીના વાવેતરના ખર્ચને જોતાં તેના યોગ્ય ભાવ મળતાં નથી. તેથી ગત માર્ચ મહિને જ્યારે આખું ગામ હાડમારી સહન કરી રહ્યું હતું ત્યારે શાસક કે વિપક્ષના કોઈ નેતાએ ગામની મુલાકાત લીધી નહોતી. આથી હવે તેમના વોટ માગવા પર પણ આ ગ્રામજનોએ પ્રતિબંધ મૂક્યો છે.
કાંદાની નિકાસ પર નિયંત્રણો સહિતના મુદ્દે ખેડૂતોને ભારે નુકસાન છતાં પણ શાસક કે વિપક્ષના કોઈ નેતા ખેડૂતોની વ્યથા જાણવા તથા તેમનો ઉકેલ લાવવા આવ્યા નથી. આથી ખેડૂતો સમગ્ર રાજકીય સિસ્ટમથી હતાશ થઈ ગયા છે.