સમાધાન અશક્ય હોય તો છૂટાછેડા માટે 6 મહિના રાહ જોવાની જરુર નહિઃ હાઈકોર્ટ
બદલાતી સામાજિક સ્થિતિ સાથે અનુકૂલન સાધવું જરુરી છે
પરસ્પર સંમતિથી છૂટા પડવાનું નક્કી કરનારાં યુગલના છૂટાછેડા લંબાશે તો તેમને માનસિક પરિતાપ થશેઃ કૂલીંગ ઓફ પિરિયડની જોગવાઈ રદ કરી
મુંબઈ : સામાજિક પરિસ્થિતિમાં ઝડપભેર થઈ રહેલા ફેરફારો તથા સમાજમાં આવી રહેલાં પરિવર્તનોને જોતાં વ્યવહારુ અભિગમ અપનાવવો જરુરી છે તેવું અવલોકન કરી બોમ્બે હાઈકોર્ટે એક યુગલને છૂટાછેડાની અરજી બાદ છ મહિનાના કૂલીંગ ઓફ પિરિયડ સુધી રાહ જોવાની જોગવાઈ ફગાવી તત્કાળ છૂટાછેડાને મંજૂરી આપી હતી. અદાલતે જણાવ્યું હતું કે પરસ્પર સંમતિના કેસમાં કૂલીંગ ઓફ પિરિયડના કારણે છૂટાછેડા લંબાવાય તો આ યુગલ માનસિક પરિતાપમાંથી પસાર થઈ શકે છે.
જસ્ટિસ ગૌરી શિંદેની સિંગલ બેન્ચે ગઈ તા. પચ્ચીસમી જુલાઈએ આપેલો ચુકાદો હવે ઉપલબ્ધ થયો છે. આ ચુકાદામાં ન્યાયમૂર્તિએ જણાવ્યું છે કે છ મહિનાનો વેઇટિંગ પિરિયડ કોઈ પક્ષને અન્યાય ન થાય તથા સમધાનનો કોઈ પ્રયાસ બાકી ન રહી જાય તેના માટે છે.
જોકે, એકવાર કોર્ટને સંતોષ થઈ જાય કે યુગલે સમજપૂર્વક આ નિર્ણય કર્યો છે અને હવે સમાધાનની કોઈ શક્યતા નથી ત્યારે અદાલતે વ્યવહારુ અભિગમ અપનાવવો જોઈએ અને વેઇટિંગ પિરિયડ જતો કરવા માટે પોતાના વિવેક અનુસાર નિર્ણય કરવો જોઈએ.
પુણેના એક યુગલે છૂટાછેડાની અરજી કર્યા બાદ છ મહિનાનો કૂલીંગ ઓફ પિરિયડ જતો કરવા ની માગણી કરી હતી. જોકે, ફેમિલી કોર્ટે આ માગણી ફગાવી દીધી હતી. આથી, આ યુગલે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
તેમની અરજી માન્ય રાખતાં હાઈકોર્ટે કહ્યું હતું કે આ પિરિયડ જતો કરવાની અરજી પર નિર્ણય કરતી વખતે વેઇટિંગ પિરિયડ પાછળનો હેતુ ધ્યાને લેવાની જરુર છે. એવા અનેક કેસો જોવામાં આવ્ય છે કે સમાધાનની કોઈ શક્યતા ન હોય અને પક્ષકારો વચ્ચે સતત લડાઈ ચાલતી રહે છે. આવા સંજોગોમાં પક્ષકારોને કોઈ સમાધાન પર આવવા માટે ચોક્કસ સમયગાળો અપાય છે. તેમને કોઈ મધ્યસ્થી દ્વારા સમાધાન માટે પણ પ્રોત્સાહિત કરાય છે.
જોકે, યુગલે પરસ્પર સંમતિથી છૂટા પડી જવાનું નક્કી કર્યું હોય અને તેમના વચ્ચે સમાધાનની કોઈ શક્યતા ન હોય તેવા સંજોગોમાં અદાલતે વ્યવહારુ અભિગમ અપનાવવો જોઈએ. આ અરજદારો યુવાન છે અને તેમના છૂટાછેડા લાંબા સમય સુધી અનિર્ણિત રહે તેવા સંજોગોમાં તેઓ માનસિક પરિતાપ અનુભવી શકે છે. આ સંજોગોમાં આ યુગલને સહાય કરવાની અદાલતની ફરજ છે.
આ યુગલનાં લગ્ન ૨૦૨૧માં થયાં હતાં. જોકે, લગ્નના એક જ વર્ષમાં ગંભીર મતભેદો ઉભરી આવતાં તેઓ અલગ રહેવા લાગ્યાં હતાં.