કોઈ માતા પોતાના બાળકની મારપીટ કરી શકે નહીંઃ હાઈકોર્ટ
પિતાએ કરેલા આરોપો અવિશ્વસનીય હોવાની નોંધ
કૌટુંબિક વિવાદ બાદ જુદી રહેતી પત્ની અને તેના પાર્ટનર સામેના કેસમાં કોર્ટે બંનેને જામીન મંજૂર કર્યા
મુંબઈ - કોઈ માતા પોતાના બાળકને મારે નહીં, એમ જણાવીને બોમ્બ ેહાઈકોર્ટે સાત વર્ષના પુત્રની મારપીટના કેસમાં ઝડપાયેલી ૨૮ વર્ષીય મહિલા અને તેના પાર્ટનરને જામીન મંજૂર કર્યા હતા.
ફરિયાદી પિતા અને આરોપી માતા વચ્ચે કૌટુંબિક વિવાદ ચાલતો હોવાને લીધે બાળકને ભોગવવું પડયું છે અને તેને બલિનો બકરો બનાવાયો છે, એમ ન્યા. મિલિન્દ જાધવે નિરીક્ષણ કર્યું હતું.
બાળકના તબીબી અહેવાલ પરથી જણાય છે કે તેને એપિલેપ્સી છે અને ફીટ આવ્યા કરે છે અને તે કુપોષિત અને રક્તહિનતાથી પીડાય છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
વિવિધ તબીબી અહેવાલો દર્શાવે છે કે આરોપી માતાએ બાળકને સારસંભાળ અને ટેકો આપવા ઘણી મુશ્કેલી વેઠી છે. ઓક્ટોબર ૨૦૨૩માં મહિલાની ધરપકડ થઈ હતી અને ત્યારથી કસ્ટડીમાં છે.
બાળકના પિતાઅ ેકરેલી ફરિયાદને આધારે એફઆઈઆર નોંધાઈ હતી. પિતાએ આરોપ કર્યો હતો કે વિભક્ત પત્ની અને તેનો પાર્ટનર અનેક વાર બાળકને મારપીટ કરે છે અને એક વાર તેની હત્યાનો પ્રયાસ પણ કરાયો હતો.
દહિંસર પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદમાં આરોપ કરાયો હતો કે મહિલાના પાર્ટનરે બાળક પર જાતીય અત્યાચાર પણ કર્યો હતો. કોર્ટે જોકે પ્રથમદર્શી તમામ આરોપ અવિશ્વસનીય હોવાનું જણાવ્યું હતું.
મહિલાને રૃ. ૧૫ હજારના પર્સનલ બોન્ડ પર જામીન આપીને કોર્ટે નોઁધ કરી હતી કે કોઈ માતા પોતાના બાળકને મારવાનો વિચાર કરી શકે નહીં.
કેસમાં આરોપીની ધરપકડનું કારણ જણાવવા સંબંધી ફોજડદારી દંડ સંહિતાની ફરજીયાત જોગવાઈનું પાલન પણ પોલીસે કર્યું ન હોવાનું કોર્ટે નોંધ્યું હતું.ફરિયાદ અનુસાર ૨૦૧૯માં માતાપતા જુદા થયા બાદ બાળક પિતા સાથે રત્નાગીરીમાં રહેતું હતું. ૨૦૨૩માં મહિલા બળજબરીથી તેને મુંબઈ સાથે લઈ ગઈ હતી.