પંઢરપુરમાં એકાદશી પૂજામાં કોઈ ડે. સીએમને આમંત્રણ નહીં
કાર્તિકી એકાદશીએ ડે.સીએમને બોલાવાય છેે
કોઈ મંત્રી ન જોઈએ તેવા મરાઠા આંદોલનકારીઓના સૂત્રોચ્ચાર બાદ નિર્ણય
મુંબઈ : પંઢરપુરના વિઠ્ઠલ મંદિરમાં આ વખતે કાર્તિકી અકાદશીએ રાજ્યના કોઈ નાયબ મુખ્યપ્રધાનને પૂજા માટે નહીં બોલાવાય.
કેટલાંક વર્ષોથી એવી પ્રથા પડી ગઈ છે કે અષાઢી એકાદશીએ રાજ્યના મુખ્યપ્રધાન પૂજા કરે છે જ્યારે કાર્તિકી પૂર્ણીમાએ રાજ્યના નાયબ મુખ્યપ્રધાનને આમંત્રણ અપાય છે.
આ વખતે રાજ્યમાં અજિત પવાર તથા દેવેન્દ્ર ફડણવીસ એમ બે બે નાયબ મુખ્યપ્રધાન હોવાથી ટેમ્પલ કમિટી અવઢવમાં હતી. બીજી તરફ મરાઠા આંદોલનકારીઓએ ટેમ્પલ કમિટીની બેઠક દરમિયાન કોઈ મંત્રી હાજર ન જોઈએ તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
છેવટે કોઈ નાયબ મુખ્યમંત્રીને આમંત્રણ નહીં આપવાનો નિર્ણય લેવાયો હતો.
મરાઠા સમુદાયે નિવેદન આપ્યું છે કે, જ્યાં સુધી મરાઠા સમુદાયના આરક્ષણનો મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી અમે કોઈપણ મંત્રી કે નેતાને પંઢરપુર આવવા નહીં દઈએ. અમે આ મરાઠી સમુદાયની ભાવનાને રાજ્ય સરકાર , કાયદા અને ન્યાય વિભાગના કાન સુધી પહોંચાડીશું એવો નિર્ણય લીધો છે, એમ ે વિઠ્ઠલ રુક્મિણી મંદિર સમિતિના સહ-અધ્યક્ષ ગહિનીનાથ મહારાજ ઔસેકરે બેઠક બાદ જણાવ્યું હતું.