શિર્ડી સાઈ મંદિરમાં માસ્ક વગર દર્શન નહીં
મહારાષ્ટ્ર સરકારની મંદિર ટ્રસ્ટને સૂચના
દેશભરમાં ફેલાયેલ કોરોનાના નવા વેરિએન્ટને શિર્ડીમાં પ્રવેશતો રોકવા આગોતરાં પગલાં
મુંબઈ : કોરોનાના નવા વેરિએન્ટે સૌની ચિંતામાં વધારો કર્યો છે અને દિવસોદિવસ નવા વેરિએન્ટના દર્દીઓની સંખ્યા વધતી જોવા મળી રહી છે. વળી નવા વર્ષના આગમનને માત્ર ચાર જ દિવસ બાકી છે. ત્યારે શિર્ડી સાંઈ બાબા મંદિરમાં માસ્ક વગર આવનારા ભાવિકોને પ્રવેશ ન આપવાની ખાસ સૂચના પાલકમંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલે મંદિર પ્રશાસનને આપી છે.
મંગળવારે દત્ત જયંતિ નિમિત્તે શિર્ડી સાંઈ મંદિરમાં ભાવિકોએ મોટી સંખ્યામાં ભીડ જમાવી હતી. વળી નવા વર્ષ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો આવવાની ધારણા નકારી શકાય તેમ નથી. જેએન૧ વેરિએન્ટનો સંસર્ગ મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે. ત્યારે શિર્ડી તેમજ આસપાસના વિસ્તારોમાં તેનો ફેલાવો ન થાય તે માટે આ ખબરદારીનું પગલું લેવાઈ રહ્યું હોવાનું પણ પાલકમંત્રીએ જણાવ્યું હતું.
શિર્ડીમાં દર્શન માટે આવનારા ભાવિકોને સંસ્થાન દ્વારા માસ્ક આપવામાં આવે. મંદિર ટ્રસ્ટે મહત્ત્વના સ્થળે મોટા હૉર્ડિંગ્સ લગાવી 'નો માસ્ક, નો દર્શન'ની જાણ ભક્તોને કરી તેની તુરંત અમલબજાવણી કરવી. મુખ્યમંત્રીને પણ આ બાબતે તેમણે સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. આથી તહેવારના સમયે શિર્ડી મંદિરે દર્શન કરવા જનારા ભાવિકોએ માસ્ક પહેરીને જ જવું પડશે.