સીબીઆઈ સહિતની દેશની કોઈ એજન્સી ડિજિટલ એરેસ્ટ કરતી નથી, સાવધ રહો
નિર્દોષ નાગરિકોને ધમકાવી કરોડો રૂપિયા પડાવવાની તરકીબ
મહારાષ્ટ્ર પોલીસ- રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન ચેતવણી : કોઈ કોર્ટ વીડિયો કોલથી ધરપકડ કરતાં નથી
મુંબઇ : સીબીઆઈ, પોલીસ, કસ્ટમ, ઈડી કે કોઈ કોર્ટ લોકોની વીડિયો કોલ દ્વારા ધરપકડ કરતાં નથી. ડિજિટલ ડિટેન્શન એક ફ્રોડ છે. આ ફ્રોડ દ્વારા લોકોને ધમકાવી મોટી રકમ પડાવી લેવાય છે તે સામે સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે. દેશમાં વધતા જતા ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ સંદર્ભમાં સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન દ્વારા એક પબ્લિક એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના ૧૯૯૭ની બેચના આઇપીએસ અધિકારી અને હાલમાં એન્ટી કરપ્શન બ્યુરો- મહારાષ્ટ્રમાં એડીશનલ ડીજી તરીકે ફરજ બજાવતા વિશ્વાસ નાંગરે-પાટીલે લોકોને ડિજિટલ એરેસ્ટ વિશે જાગરૂક કરતા એક વીડિયોમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ફ્રોડસ્ટરો વિવિધ સરકારી એજન્સીઓ જેવીકે ઇડી, સીબીઆઇ, નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો, સાયબર પોલીસ કોર્ટના જજ આદીના નામે તેમને વીડિયો કોલ કરે છે. જેમાં પોલીસના યુનિફોર્મમાં એક અધિકારી તમારા નામે ગુનો નોંધાયો છે અને તમારું એરેસ્ટ વારંટ બહાર પડયું છે તેવા વિવિધ કારણો આપી તમને ડરાવી મૂકે છે. ફ્રોડસ્ટરો એવું ગપ્પું ચલાવે છે કે તમારા નામે મોટા પાયે મની લોન્ડરિંગ થયું છે. અથવા તમે મોકલાવેલ પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું છે. અથવા તમે તમારા મોબાઇલથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીક ક્લિપ્સ મોકલી છે તેથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવું જણાવી અમારા ઉપરી અધિકારીઓ તમને કોલ આવશે તેવું જણાવવામાં આવે છે.
ત્યાર બાદ ફ્રોડસ્ટરો ખરેખર કોઇ અધિકારી હોય તેમ યુનિર્ફોર્મમાં તમને વીડિયો કોલ કરે છે અને તમારી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી છે તેવું તમને જણાવી તમારા સામે ઘણી ફરિયાદ થઇ છે અને ઘણા વોરંટ બહાર પાડવામાં આવ્યા છે તેથી આ બાબતથી બચવું હોય તો અમને કો-ઓપરેટ કરો તેવું કહેવામાં આવે છે. આબાબતે તમારા પરિવારજનોને કાંઇ જણાવતા નહીં તેવી સલાહ આપી તેઓ તમારા જે બેંક એકાઉન્ટ દ્વારા મની લોન્ડરિંગ થયું છે તે એકાઉન્ટ દ્વારા અમૂક રકમ મગાવવામાં આવે છે જે 'ફંડ લીગલાઇઝેશન પ્રોસેસ' માટે જરૂરી છે જેથી તમારા એકાઉન્ટમાંથી ખરેખર અંડર વર્લ્ડે તો કોઇ મનીલોન્ડરિંગ કર્યું છે કે નહીં તે સ્પષ્ટ થશે. આવું જણાવી બેન્ક ખાતાની તમામ ગુપ્ત વિગત મેળવી તમારું તમામ ખાતું ખાલી કરી દેવામાં આવે છે.
આ સિવાય અમૂક કેસમાં મ્યુચ્યુઅલ ફંડ, એફ.ડી., શેર આદીની વિગત મેળવી તે પણ અન્ય એકાઉન્ટમાં ટ્રન્સ્ફર કરાવી નાંખે છે તેથી આવા ફોન કોલ, વીડિયો કોલ પર કોઇ ધ્યાન ન આપવાની વિનંતિ કરી હતી.
આ વીડિયોમાં નાંગરે પાટીલે જણાવ્યું છે કે જો આવું કાઇં થાય છે તે તેવા કિસ્સામાં સત્વરે ૧૯૩૦ હેલ્પલાઇન નંબર પર તમારી ફરીયાદ નોંધાવી દયો જેથી 'ગોલ્ડન અવર'માં તમારા પૈસા જે ખાતામાં ટ્રાન્સ્ફર થયા છે તેને 'ફ્રીઝ' કરી દેવાય અને તમારી પરસેવાની કમાણીને બચાવી શકાય, આ ઉપરાંત નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સહિત નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટીંગ પોર્ટલ પર પર નિયમ ફોર્મેટમાં ફરિયાદ નોંધાવવાનું જણાવી એલર્ટ રહેવાની લોકોને અપીલ કરી છે.
સાયબર ઠગોએ છેલ્લો થોડા સમયમાં ડિજિટલ એરેસ્ટની ધમકીથી લોકો પાસેથી ૪૦૦ કરોડ રૂપિયા પડાવ્યા છે. યુપીમાં ડિજિટલ એરેસ્ટથી ભય પામી એક શિક્ષિકાનું હાર્ટએટેકથી મોત પણ નોંધાયું છે.
કેન્દ્ર સરકારની સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન કમિટીએ પણ પબ્લિક એડવાઈઝરીમાં સાફ સાફ જમાવ્યું છે કે સીબીઆઈ, પોલીસ, ઈડી, કસ્ટમ કે કોઈ જજ પણ આ રીતે ડિજિટલ એરેસ્ટ કરતા નથી વીડિયો કોલથી કોઈ ધરપકડ થતી નથી. ઠગો સ્કાઈપ કે વ્હોટસ એપ જેવાં માધ્યમોનો દુરુપયોગ કરી વીડિયો કોલથી ધરપકડ થયાનું દર્શાવી ખોટી રીતે પૈસા પડાવી રહ્યા છે તે સામે સાવચેત રહેવા જણાવાયું છે.
મુંબઈ પોલીસે પાંચમી ઓકટોબરના એક જ દિવસમાં સાયબર હેલ્પ લાઇન ૧૯૩૦ પર આવેલી ફ્રોડની ફરિયાદ પર કાર્યવાહી કરતા અધિકારીઓએ 'ડિજિટલ એરેસ્ટ' ના નામે નિર્દોષ લોકો પાસેથી પડાવેલી લગભગ એક કરોડથી વધુની રકમ ફ્રોડસ્ટરોના હાથમાં જાય તે પહોલા જ બચાવી લીધી હતી.