ધો.11માં રાજ્યની 455 કૉલેજોમાં એકપણ એડમિશન થયાં નથી
માહિતીના અધિકારમાં આંચકાદાયી આંકડા સામે આવ્યાં
શૂન્ય એડમિશન ધરાવતી સર્વાધિક 242 મહાવિદ્યાલયો મુંબઈની, સેલ્ફ-ફાઈનાન્સના નામે દરવર્ષે નવી કૉલેજોને મંજૂરી આપવાનું પરિણામ
મુંબઈ : ગયા વર્ષે મુંબઈ સહિત પુણે, નાસિક, નાગપુર અને અમરાવતી વિભાગમાં પાર પડેલ ધો.૧૧ના ઓનલાઈન અને ક્વૉટા આધારિત એડમિશન પ્રક્રિયા દ્વારા માત્ર ૭૦ ટકા એડમિશન થયા હોય ૪૫૫ કૉલેજોમાં શૂન્ય પ્રવેશ થયા હોવાની આંચકાદાયી માહિતી સામે આવી છે. શૂન્ય પ્રવેશ ધરાવતી કૉલેજોની સર્વાધિક સંખ્યા મુંબઈમાં ૨૪૨ જેટલી છે. તો ૨૦ ટકાથી ઓછાં એડમિશન થયેલી કૉલેજોનું પ્રમાણ પણ વધુ છે, એવી માહિતી આરટીઆઈ દ્વારા જાણવામાં આવી છે.
ધો.૧૧ના એડમિશન માટે સેલ્ફફાઈનાન્સ્ડના નામે દરવર્ષે નવી બિનઅનુદાનિત કૉલેજોને માન્યતા અપાય છે. આથી ખાલી રહેતી સીટ્સની સંખ્યા દરવર્ષે વધતી જાય છે. જે કૉલેજોમાં પાયાભૂત સુવિધા નથી, શૈક્ષણિક વાતાવરણ નથી એવા સ્થળે દરવર્ષે માન્યતા મેળવી કોર્સની સીટ્સ વધારાય છે. પરંતુ તેનો કંઈ ફાયદો થતો નથી અને સીટ્સ ખાલી રહી જાય છે. અનુદાનિક કૉલેજોમાં એડમિશન માટે લાઈનો લાગે છે, જ્યારે આવી સેલ્ફફાઈનાન્સ્ડ કૉલેજોમાં અમુક જ એડમિશન થતાં હોય છે. આથી આવી વધારાની સીટ્સની સંખ્યા સરકાર ઓછી કરશે કે કેમ? એવો પ્રશ્ન પણ કેટલાંક સંગઠનોએ ઉઠાવ્યો છે.
ગયા વર્ષે ધો.૧૧ના એડમિશન માટે અમરાવતી વિભાગમાં ૧૬,૧૯૦માંથી ૧૦,૫૫૧ સીટ્સ પર એડમિશન થયાં. એજ રીતે મુંબઈમાં ૩,૮૯,૬૭૫ સીટ્સમાંથી ૨,૬૭,૮૬૨ સીટ્સ પર પ્રવેશ, નાગપુરમાં ૫૪,૬૫૦માંથી ૩૨,૫૬૪ સીટ્સ પર પ્રવેશ, નાસિક વિભાગમાં ૨૭,૩૬૦માંથી ૧૭,૯૮૩ સીટ્સ પર પ્રવેશ થયાં. તો પુણે વિભાગમાં ૧,૧૭,૯૯૦ સીટ્સ પર માત્ર ૭૮,૧૩૦ એડમિશન જ થયાં હતાં.
ફક્ત મુંબઈની વાત કરીએ આ પસાર થયેલાં વર્ષમાં ૨૪૨ કૉલેજમાં એકપણ એડમિશન થયાં નથી. જ્યારે ૩૨૦ કૉલેજમાં ૨૦ ટકા કે તેથી ઓછાં એડમિશન, ૪૩૩ કૉલેજમાં ૫૦ ટકા કે તેથી ઓછાં પ્રવેશ, ૧૦૭૪ કૉલેજમાં ૫૦ ટકા કે તેથી વધુ જ્યારે ૩૦૬ કૉલેજોમાં જ ૧૦૦ ટકા એડમિશન થયાં છે.