નિરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા સમયસર ધરપકડ ન થતાં ભાગી ગયા : કોર્ટ
પીએમએલ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઝાટકણી કાઢી
પૂર્વ પરવાનગી વિના વિદેશ જવાની એક આરોપીની અરજી સામે ઈડીએ વિરોધ કરતાં અદાલતની ટિપ્પણી
મુંબઈ : નિરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા જેવા કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બિઝનેસમેનો દેશ છોડીને જઈ શક્યા છે કારણ કે તપાસ એજન્સી યોગ્ય સમયે તેમની ધરપકડ કરવામાં નિષ્ફળ ગઈ હતી, એમ સ્પેશ્યલ કોર્ટે જણાવ્યું હતું.
સ્પેશ્યલ જજ એમ. જી. દેશપાંડેએ જામીન શરતોમાં સુધારો કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ પકડાયેલા આરોપીની અરજીની સુનાવણી વખતે ઉક્ત ટકોર કરી હતી.
કોર્ટે ૨૯ મેના રોજ આરોપી વ્યોમકેશ શાહની અરજી સ્વીકારી હતી અને વિદેશમાં પ્રવાસ કરવા પૂર્વે કોર્ટની પરવાનગી લેવાની શરત રદ કરી હતી. વિસ્તૃત આદેશ હાલ પ્રાપ્ત થયો હતો. ઈડીએ દલીલ કરી હતી કે શાહની અરજીને માન્ય કરવાથી નિરવ મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોક્સી જેવી સ્થિતિ ઊભી થશે.
આ દલીલ ફગાવીને જજે જણાવ્યું હતું કે દલીલો ઝીંણવટથી ચકાસ્યા બાદ અમને લાગે છે કે આ વ્યક્તિઓ તપાસ એજન્સી દ્વારા યોગ્ય સમયે ધરપકડ નહીં કરવાથી દેશ છોડીને ગઈ હતી.
આથી વિપરીત સમન્સના જવાબમાં શાહ કોર્ટ સામે હાજર રહીને જામીન મેળવ્યા હતા અને વિદેશ જવાની પરવાનગી માગી હતી. શાહને નિરવ મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોક્સીના કેસો સાથે સરખાવી શકાય નહીં.