બાંદરા ટર્મિનસ પર ટ્રેનમાં ચઢવા જતાં ભાગદોડમાં નવ પ્રવાસી ઘાયલ
- યાર્ડમાંથી પ્લેટફોર્મ પર ટ્રેન આવી કે ટોળાં ધસી ગયા અને એકબીજા પર પટકાયા
- ગોરખપુર જતી તમામ જનરલ કોચ ધરાવતી ટ્રેનમાં ભારે ધસારાથી રાતે પોણાત્રણે દુર્ઘટનાઃ ટર્મિનસ ચિત્કારોથી ગાજ્યું
મુંબઈ: મુંબઈના બાંદરા ટર્મિનસ પર રવિવારે પરોઢે ઉપડનારી તમામ જનરલ કોચ ધરાવતી ગોરખપુર જતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન રાતે પોણા ત્રણે પ્લેટફોર્મ પર આવી ત્યારે તેમાં ચઢવા જવા માટે ભાગદોડ થઈ હતી. પ્રવાસીઓ એકબીજા પર પટકાતાં નાસભાગ મચી ગઈ હતી. તેમાં નવ પ્રવાસીઓ ઘવાયા હતા. પશ્ચિમ રેલવેએ આ બનાવ અંગે તપાસના આદેશો આપ્યા છે અને વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેના મહત્વનાં સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર અંકુશો લાદી દેવાયા છે. આ ઘટના બાદ વિપક્ષોએ રેલવે મંત્રાલય પર ભારે પસ્તાળ પાડી હતી.
પશ્ચિમ રેલવેના જણાવ્યાનુસાર ટ્રેન નંબર ૨૨૯૨૧ બાંદરા-ગોરખપુર અંત્યોદય એક્સપ્રેસ રવિવારે સવારે ૫.૧૦ વાગ્યે ઉપડવા પહેલાં શનિવારે મોડી રાત્રે ૨.૪૫ યાર્ડમાંથી આવી રહી હતી. તે વખતે ઘણા પ્રવાસીઓએ ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બે પ્રવાસીઓ ચઢતા ચઢતા પડી ગયા હતા. પ્લેટફોર્મ પર હાજર આરપીએફ,જીઆરપી અને હોમગાર્ડ અધિકારીઓએ તરત જ પગલાં લેતા ઘાયલ પ્રવાસીઓને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
મુંબઈ ડિઝાસ્ટર કંટ્રોલ અને પાલિકાના આંકડા પ્રમાણે નાસભાગમાં નવ લોકો ઈજા પામ્યા હતા. ઘાયલ પ્રવાસીઓની ઓળખ શભીર રહેમાન(૪૦), પરમેશ્વર ગુપ્તા(૨૮), રવિન્દ્ર ચુમા(૩૦), રામસેવક પ્રજાપતિ(૨૯), સંજય કંગાય(૨૭), દિવ્યાંશુ યાદવ(૧૮), મોહમ્મદ શેખ(૨૫), ઈન્દ્રજીત શહાની(૧૯) અને નૂર શેખ(૧૮) તરીકે થઈ હતી. જેમાંથી શહાની અને નૂર શેખની હાલત વધારે ગંભીર હોવાનું જણાવાયું હતું.
પશ્ચિમ રેલવેએ આ સમગ્ર બનાવ અંગે તપાસના આદેશો આપ્યા છે. સાથે સાથે વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેનાં મોટાં અને મહત્વનાં સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર અંકુશો લદાયા છે. આજે દિવસ દરમિયાન રવાના થયેલી ટ્રેનો વખતે આરપીએફએ મોરચો સંભાળ્યો હતો અને પ્લેટફોર્મ પર એક પછી એક લાઈન કરાવી પ્રવાસીઓને ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા.
ટ્રેક પર અનેક લોકોનાં કપડાં, સામાન, ચંપલો તથા લોહીના ડાઘા મોડે સુધી જોઈ શકાતા હતા. બનાવના કારણે રાતના અંધારામાં પ્લેટફોર્મ લોકોના ચિત્કાર અને મદદના પોકારથી ગાજી ઉઠયું હતું. લાંબા અંતરની ટ્રેનોના આ ટર્મિનસ પર આવવા જવા માટેના રસ્તા સાંકડા હોવાથી બચાવ કામગીરી માટે આવતાં વાહનોને તકલીફ પડી હતી.
બાંદરા ટર્મિનસ પર રવિવારે સવારે થયેલી નાસભાગના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં આખી પરિસ્થિતિ કેવી રીતે સર્જાઈ તે જોઈ શકાય છે. ૨૨ કોચની ટ્રેન જ્યારે પ્લેટફોર્મ ઉપર આવી રહી હતી ત્યારે પ્રવાસીઓનું ટોળું ટ્રેનમાં ચઢવા દોડી રહ્યું હતું અને બૂમો પાડી રહ્યું હતું. દરમિયાન ટ્રેનમાંથી પડી ગયેલા અને નાસભાગમાં ઘાયલ થયેલા પ્રવાસીઓનો પણ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક પ્રવાસીના હાથમાંથી લોહી નીકળતું હતું, જેની બાજુમાં અન્ય એક ઘાયલ પ્રવાસી હતો. વળી કોચના દરવાજા નજીક જ પગમાં ઈજા સાથે પડેલા પ્રવાસીને કચડીને લોકો ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અન્ય એક વિડીયોમાં જોઈ શકાય છે કે આરપીએફના જવાનો ઘાયલ પ્રવાસીઓને તેમના ખભે નાખી લઈ જઈ રહ્યા હતા, બીજો જવાન એક પ્રવાસીને સ્ટ્રેચર વડે હોસ્પિટલમાં લઈ જઈ રહ્યો હતો. આ અરાજકતા ફેલાયેલી હતી તે વખતે બીજા પ્લેટફોર્મ પરના પ્રવાસીઓ તથા સ્થાનિકો ઘાયલ પ્રવાસીઓની મદદે દોડી આવ્યા હતા. ટ્રેન યાર્ડમાંથી પ્લેટફોર્મ પર આવે ત્યારે કોચના દરવાજા બંધ હોય છે, ચાલુ ટ્રેનમાં ચઢનારા પ્રવાસીઓ આ બંધ દરવાજા સાથે અથડાઈને પટકાયા હતા.
આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ આ ઘટના મુદ્દે રેલવે મંત્રાલય પર પસ્તાળ પાડી હતી.