ચેમ્બુરમાં સિલિન્ડર ફાટતાં વિસ્ફોટ અને આગમાં 2 બાળકો સહિત નવ ઘાયલ
રાંધણગેસ લીક થતો હતો, સવારે સ્ટવ સળગાવ્યો ને વિસ્ફોટ
એક જ પરિવારના આઠનો સમાવેશઃ ઘરની દીવાલ, છત,વાહનોના કાચ તૂટી ગયાઃ બાજુની દુકાનને નુકસાન
મુંબઈ : ચેમ્બુરમાં ગુરુવારે સવારે ઘરમાં એલપીજી સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થઈ વિસ્ફોટ અને આગ લાગતા એક જ પરિવારના ૮ સહિત ૯ને ઈજા થઈ હતી.ધડાકો એટલો જોરદાર હતો કે ઘરની દિવાલ તૂટી ગઈ હતી અને બાજુની દુકાનને પણ નુકસાન થયું હતું. અહીં પાર્ક કરાયેલા અનેક વાહનોના કાચ તૂટી ગયા હતા. જખમીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની મદદથી આગ બુઝાવીને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ચેમ્બુર સ્થિત સીજી ગિરવાની રોડ પર ગોલ્ફ કલબ પાસે સ્માક હિલ સલૂન પાછળ આજે સવારે ૭.૩૦ વાગ્યે આ ઘટના બની હતી. પોલીસે મામલાની નોંધ લઈ વધુ તપાસ આદરી છે.
અહીં ગ્રાઉન્ડ પ્લસ એક માળના ઘરમાં લિંબાજીયા પરિવાર રહે છે. ઘરમાં લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થઈ રહ્યો હતો. આજે સવારે પરિવારની એક મહિલા ગેસ સ્ટવ ચાલુ કરવા ગઈ હતી તે સમયે અચાનક જોરદાર વિસ્ફોટ થઈ આગ ભભૂકી હતી.
વિસ્ફોટના લીધે ઘરની દિવાલ તૂટી પડી હતી તેમ જ બાજુના ઘરની છત પણ પડી ગઈ હતી. આ સિવાય નજીકમાં ઉભેલા વાહનોના કાચ તૂટી ગયા હતા.
આગ પ્રસરી જતાં જયોત્સના લિંબાજીયા (ઉ.વ.૫૩), પિયુષ લિંબાજીયા (ઉ.વ.૨૫), નીતિન લિંબાજીયા (ઉ.વ.૫૫), પ્રીતિ લિેંબાજીયા (ઉ.વ.૩૪) ગંભીરપણે દાઝી ગયા હતા. તેમ જ નવ વર્ષીય ઓમ લિંબાજીયા, અજય લિંબાજીયા (ઉ.વ.૩૩), પૂનમ લિંબાજીયા (ઉ.વ.૩૩). મહેક લિંબાજીયા (ઉ.વ.૧૧)ને હળવી ઈજાઓ થઈ હતી.
આ સિવાય ઘરની બહાર ઊભેલા સુદામ શિરસાટ (ઉ.વ.૫૫)ને માથા અને પગમાં ઈજા થઈ હતી સ્થાનિક લોકોની મદદથી તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આગમાં ઈલેકટ્રિક વાયરીંગ, લાકડાના ફર્નિચર અને બાજુની દુકાનને પણ નુકસાન થયું હતું.
ધડાકાને લીધે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તેમણે પોલીસને બનાવની માહિતી આપી હતી.