લાઇટ ગયા બાદ ટોર્ચથી સિઝેરિયન કરવા જતા નવજાત-માતાના મોત

Updated: May 1st, 2024


Google NewsGoogle News
લાઇટ ગયા બાદ ટોર્ચથી સિઝેરિયન કરવા જતા નવજાત-માતાના મોત 1 - image


ભાંડૂપની પાલિકા પ્રસૂતિ ગૃહમાં કરૃણાતિકા

પાલિકાના આરોગ્ય વિભાગે આપ્યો તપાસનો આદેશજ

મુંબઇ :  ભાંડુપમાં આવેલ સુષમા સ્વરાજ પાલિકા પ્રસૂતિગૃહમાં વીજ પુરવઠો ખંડિત થયા બાદ ડૉકટરોએ ટોર્ચની મદદથી સિઝેરિયન ડિલીવરી કરી હતી જેમાં નવજાત બાળક સહિત મહિલાનું મોત થયું હતું. આ ઘટના બાદ પાલિકાના આરોગ્ય વિભાગે સમગ્ર ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. આ માટે પાલિકાએ એક તપાસ કમિતિની પણ નિમણૂક કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર આ ઘટના સોમવારે બની હતી. સોમવારે એખ મહિલાની સિઝેરિયન પ્રસૂતિ ચાલી રહી હતી આ દરમિયાન ઓપરેશન થિયેટરનો  વીજ પુરવઠો અચાનક ખંડિત થઇ જતા સમગ્ર ઓપરેશન થિયેટરમાં અંધકાર વ્યાપી ગયો હતો. ત્યાર બાદ ડૉકટરોએ ટોર્ચની મદદથી મહિલાની ડિલીવરી કરી હતી. જોકે આ પ્રક્રિયામાં નવજાત બાળકનું મોત થયું હતું. આ સિવાય મહિલાને ભારે  રક્ત સ્ત્રાવ થતા તેની તબિયત પણ ગંભીર બની ગઇ હતી. મહિલાને તરત જ સાયનની પાલિકાની લોકમાન્ય તિલક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન આ મહિલાનું પણ મોત થયું હતું. આ ઘટનાને પરિણામે ભારે ખળભળાટ મચી ગયો હતો.

આ ઘટના બાદ મૃતક મહિલાના પરિવારજનો રોષે ભરાયા હતા અને હોસ્પિટલ પ્રશાસન પાસે આ બાબતનો જવાબ માગ્યો હતો. આ વાતની જાણ થતા ભાંડુપના એક સ્થાનિક નગરસેવિકા પણ હોસ્પિટલમાં ધસી ગયા હતા અને હોસ્પિટલ પ્રશાસન પાસે આ સમગ્ર ઘટનાની વિગત માગી હતી. આ સિવાય તેમણે ભાંડુપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી અને પાલિકાના આરોગ્ય વિભાગને જવાબદાર અધિકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.



Google NewsGoogle News