દંપતી વચ્ચે તકરારનાં નવાં કારણો : ડીપી પર ફોટો નથી, બર્થ ડે વિશ ન કરી
સાંસારિક ઝઘડામાં પોલીસ કાઉન્સેલરની ભૂમિકામાંં
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ખાસ સેલમાં અવનવી ફરિયાદોઃ 1 વર્ષમાં 54 દંપતી વચ્ચે સમાધાન કરાવ્યું
મુંબઈ : મુંબઈ પોલીસ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ હેઠળ એક દાયકા અગાઉ સ્થપાયેલ મહિલાઓ વિરુદ્ધ અપરાધ કક્ષ એકમેક સામે કાનૂની કાર્યવાહી કરી રહેલા યુગલો માટ કાઉન્સેલીંગની સેવા આપી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધી કાઉન્સેલીંગ કક્ષે પતિ અને પત્ની વચ્ચે વિવાદ સંબંધિત ૩૮૬ ફરિયાદો મેળવી છે અને ૫૪ કેસોમાં સફળતાપૂર્વક સમાધાન કરાવ્યું છે. પોલીસ આવા યુગલોનું ચતુરાઈ અને કળથી કાઉન્સેલીંગ કરે છે કારણ કે ઘણીવાર પતિ-પત્ની વચ્ચે નજીવા કારણસર વિવાદ સર્જાયો હોય છે.
કાઉન્સેલીંગ યુનિટના વરિષ્ઠ મહિલા ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે યુગલ તેમજ તેમના પરિવારના સભ્યોને કક્ષમાં બોલાવવામાં આવે છે અને તેમની સમસ્યા વિશે વિગતવાર જાણકારી મેળવવામાં આવ્યા પછી સમાધાનનો પ્રયાસ કરાય છે. તેમને સૌ પ્રથમ તો કોઈપણ નિર્ણય લેવા અગાઉ બાળકોના ભાવિ વિશે વિચાર કરવાની સલાહ અપાય છે.
જ્યારે કોઈ યુગલ વચ્ચે વિવાદ થાય અને તેઓ શહેરના કોઈપણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે ત્યારે તેમનું સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જ કાઉન્સેલીંગ કરવામાં આવે છે. સ્થાનિક પોલીસને સફળતાની શક્યતા લાગે તો યુગલને ક્રાફર્ડ મારકેટ પોલીસ મુખ્યાલય અથવા લોઅર પરેલમાં જવાની સલાહ અપાય છે.
અગાઉ યુગલો વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ પતિનું દારૃનું વ્યસન, સાસુનો ત્રાસ તેમજ ગેરકાયદે સંબંધો હતા. પણ હવેના વિવાદોના કારણ બદલાયા છે. પોતાના ડીપી પર પતિ-પત્નીનો ફોટો ન હોવો, જન્મદિવસની શુભેચ્છા ન આપવી, પત્નીને ટ્રિપ પર ન લઈ જવી અથવા ફોન પર સતત વાત કરવા હોવાની ફરિયાદો વધી ગઈ છે. કોઈ યુગલ વચ્ચે વંધ્યત્વ વિશે ઝઘડો હોય તો તેમને આઈવીએફ કેન્દ્રની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.
કેટલાક કિસ્સાઓમાં પતિ અથવા તેના સંબંધીઓના સ્વભાવને કારણે કાઉન્સેલીંગ સફળ ન થાય તો પીડિતાને સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને ફરિયાદ કરવા જણાવાય છે. યુગલને છૂટા જ પડવું હોય તો તેમને ફેમિલી કોર્ટમાં જવાની સલાહ અપાય છે.
ઉલ્લેખનીય છે કે કોવિડ લોકડાઉન દરમ્યાન કેન્દ્રને ઝઘડતા યુગલો તરફથી ૧૮૭ અરજીઓ મળી હતી. કેન્દ્રને તેમાંથી ૧૮ કેસોમાં સમાધાન કરાવવામાં સફળતા મળી હતી. કોઈપણ તાલીમ વિના મહિલા અને પુરુષ કોન્સ્ટેબલો કાઉન્સેલિંગમાં સારા પરિણામ મેળવી રહ્યા છે અને હવે તેઓ અન્ય પોલીસ યુનિટોને પણ કાઉન્સેલીંગની તાલીમ આપી રહ્યા છે.