આઈટી એક્ટમાં નવા સુધારાથી સરકારને અબાધિત સત્તાઓઃ હાઈકોર્ટ

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
આઈટી એક્ટમાં નવા સુધારાથી સરકારને અબાધિત સત્તાઓઃ હાઈકોર્ટ 1 - image


પીઆઈબી છે પછી અલગ ફેક્ટ ચેકિંગ યુનિટની શું જરુર, હાઈકોર્ટનો સવાલ

નિયમોને લીધે વાણી સ્વાતંત્રતા, રમુજ અને કટાક્ષ પર બંધી લવાશે નહીં, એવી સરકારની ખાતરી

મુંબઈ : સોશ્યલ મીડિયા પર ખોટા સમાચાર સામે નિયમાવલી અને  માર્ગદર્શિકા વિના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદામાં તાજેતરમાં કરાયેલા સુધારાથી સરકારી ઓથોરિટીને અબાધીત સત્તા મળે છે.

કેન્દ્ર સરકારે  બીજી બાજુ કોર્ટને ખાતરી આપી હતી કે નિયમો  વાણી સ્વાતંત્ર્ય કે સરકાર પરની રમુજ કે કટાક્ષ પર પ્રતિબંધ મૂકવા માટે નથી અને વડા પ્રધાનની ટીકા કરવાથી પણ કોઈને અટકાવતો નથી.

આઈટી કાયદામાં નવા સુધારાને લીધે નાગરિકોનો મૂળભૂત અધિકારો પર અવળી અસર પડશે અને આ સુધારો  ગેરબંધારણીય અને જોહુકમી ગણાવીને સ્ટેન્ડ અપ કોમેડિયન કુનાલ કામરા, એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને એસોસિયેશન ઓફ ઈન્ડિયન મેગેઝીન્સે કરેલી અરજી પર સુનાવણી ચાલી રહી હતી.

કોર્ટે મંગળવારે જાણવા માગ્યું હતું કે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી) સોશ્યલ મીડિયા પર હકીકત ચકાસણીનું કામ કરે છે તો અલગ ફેક્ટ ચેકિંગ યુનિટ (એફસીયુ)ની જોગવાઈની શી જરૃર છે. અમને લાગે છે કે સુધારો કરીને કંઈક નવું કરવા માગો છો. 

સોલિસિટર જનરલ  તુષાર મહેતાએ કેન્દ્ર વતી જણાવ્યું હતું કે પીઆઈબી પાસે કોઈ સત્તા નથી અને આ મુદ્દે બુધવારે દલીલ કરશે.આઈટી રુલ્સ વાણી અભિવ્યક્તિને ડામવા સંબંધી નથી. સરકાર કોઈ પણ જાતના પ્રતિસાદ, ટીકા કે મંતવ્યોને બંધ કરવા નથી માગતી હકીકતમાં અમે તેમને પ્રોત્સાહિત કરવીને તેમની પાસેથી શીખવા માગીએ છીએ.

નિયમમાં રમુજ કે કટાક્ષ સાથે કંઈ લેવાદેવા નથી જ્યાં સુધી સાહિત્ય અશ્લીલ કે બિભત્સ્યતાની મર્યાદા ઓળંગે  સનહીં ત્યાં સુધી અમારે કોઈ સંબંધ નથી, એમ તેમણે જણાવ્યું હતું.

નિયમાવલી વિનાના કાયદાઓ વધુ પડતું છે. ફેક્ટ ચેકરને કોણ તપાસશે. એફસીયુ પર અમારે વિશ્વાસ કરવાનો રહેશે અને અંતિમ નિર્ણય તેનો રહેશે, એમ કોર્ટે નોંધ્યું હતું.

મહેતાએ ફરી જણાવ્યું હતું કે એફસીયુ માત્ર હકીકત તપાસશે અને કોઈ મંતવ્ય કે ટીકા કરશે નહીં. સરકારની સચ્ચાઈ અંતિમ સચ્ચાઈ હોવાનું કઈ રીતે કહી શકાય, એમ કોર્ટે સવાલ કર્યો હતો.સરકારી કામકાજ શબ્દનો વ્યાપક અર્થ જણાવાયો નથી એમ બેન્ચે જણાવ્યું હતું.

મહેતાએ જણાવ્યુંહતું કે જે અધિકારીઓ કે રે એ સરકારી કામકાજ છે અને વડા પ્રધાન કહે કે કરે એ સરકારી કામકાજ નથી તેની ટીકા થઈ શકે છે.

નિયમો માટે કોઈ જાતની નિયમાવલી હોવી જોઈએ એમ કોર્ટે નોંધ કરી હતી. એના વિના અબાધિત સત્તા મળે છે. નિયમમાં જણાવાયું છે કે કોઈ પણ માહિતી જેમાં ડેટા, લખાણ, તસવીર કે અવાજ ખોટી હોય કે ગેરમાર્ગે દેરનારી હોય. માહિતીની વ્યાખ્યા હકીકત સુધી મર્યાદિત નથી. તેમાં મંતવ્યો અને ટીકાઓ પણ આવે છે. ડેટામાં કંઈ પણ આવી શકે છે.

ભારત અને આખું વિશ્વ અનિયંત્રિત માધ્યમની સમસ્યાથી ગ્રસ્ત છે, એક જ બટન ક્લિક  કરીને ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી ફેલાવવામાં આવે છે. કોર્ટે વધુ સુનાવણી બુધવાર પર રાખી છે.



Google NewsGoogle News