કેસ કર્યા બાદ સમાધાન સાધીને પોલીસ-કોર્ટનો સમય વેડફનારાને દંડવા જરૃરીઃ કોર્ટ
પુરાવા છતાં પીડિતાએ સંમતિ આપતાં રેપના આરોપીને જામીન આપવા પડયા
વેર વાળવા ફોજદારી કેસ કરીને સમય જતાં સમાધાન કરી લેનારાને અંકુશમાં રાખવા સિસ્ટમ મજબૂત બનાવવી જરૃરી
મુંબઈ : પરસ્પર વેર વાળવા માટે ફરિયાદ કરીને તપાસ એજન્સી તથા કોર્ટનો સમય વેડફ્યા બાદ સમાધાન કરીને ફરિયાદ પાછી ખેંચનારા લોકો પર ભારે દંડ લાદીને યંત્રણા મજબૂત બનાવવાની જરૃર હોવાનું બોમ્બે હાઈ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું.યોગ્ય કેસમાં આવી ફરિયાદો પર દંડ લાદવા સંબંધે આદેશ આપશે એમ પણ કોર્ટે જણાવ્યુંં હતું.
ન્યા. મનિષ પિતળેએ ૧૪ જ ૂને ૨૦૨૩માં બળાત્કારના કેસમાં પકડાયેલા શખસની જમીન અરજીની સુનાવણીમાં કડકાઈ વર્તી હતી. જોકે પીડિતાએ બાદમાં સોગંદનામું નોંધાવીને જણાવ્યું હતું કે તે આરોપી સાથે સંબંધમાં હતી અને તેમણે સમાધાન કરી લીધું છે. આથી આરોપીને જામીન મળે તેમાં તેને વાંધો નથી.
મીરા ભાયંદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કારના કેસમાં આરોપી જેલમાં હતો. આરોપીના વકિલે જામીન અરજીમાં જણાવ્યું હતું કે બંને પ્રેમસંબંધમાં હતા અને ગેરસમજણને લીધે કેસ કરવામાં આવ્યો હતો. પીડિતાએ પણ સોગંદનામું નોંધાવીને સમાધાન સાધી લીધાનું જણાવ્યું હતુ.
બીજી તરફ સરકારી વકિલે પોલીસવતી અરજીનો વિરોધ કરીને જણાવ્યું હતું કે કેસ ગંભીર છે અને આરોપીએ પીડિતાનો મોબાઈલ નંબર સોસ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો જેને લીધે તેને અશ્લીલ સંદેશા આવવા લાગ્યા હતા. આવું કૃત્ય નિંદનીય છે પછી ભલે બનેએ સમાધાન કરી લીધું હોય.
આરોપી સામે પુરતા પુરાવા છે પણ જામીન નકારી પણ શકાય છે પણ પીડિતના સોગંદનામાને ધ્યાનમાં લઈ કોર્ટે જામીન આપ્યા હતા.
મુંબઈ જેવા શહેરી વિસ્તારમાં આવા કેસ કોર્ટ સામે અવારનવાર આવે છે જેમાં સંબંધોમાં ખટરાગ થતાં ફોજદારી કેસ શરૃ કરી દેવાતા હોય છે. સમય જતાં બંને પક્ષે સમાધાન થઈ જતાં જામીન માટે સંમતિ આપવામાં આવે છે અને કેસ રદ પણ કરાવવામાં આવે છે. આમાં કોર્ટ અને પોલીસનો કીમતી સમય વેડફાય છે જેઓ અન્ય ગંભીર ગુના પર ધ્યાન આપી શકે છે, એમ જજે નોંધ કરી હતી.