એનસીપીના વિધાનસભ્ય ધનંજય મુંડે કાર અકસ્માતમાં ઘાયલ
લાતુરથી એર એમ્બ્યુલન્સમાં મુંબઈમાં લાવવામાં આવ્યા
પરબી પાસે ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં અકસ્માતમાં છાતીના ભાગે ઈજાઃ કારનો ફૂરચો વળી ગયોઃ જોકે, સામાન્ય ઈજા હોવાનો મુંડેનો દાવો
મુંબઈ : એનસીપીના નેતા અને પરબી વિધાનસભા મતદાર સંઘના વિધાનસભ્ય ધનંજય મુંડે ગઈકાલે રાતે કાર અકસ્માતમાં જખમી થયા હતા. ફેસબુકના માધ્યમથી મુંડેએ અકસ્માતની માહિતી આપી હતી. બીજી તરફ એર એમ્બ્યુલન્સમાં તેમને લાતુરથી મુંબઈ લાવવામાં આવ્યા હતા. બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવશે.
પરબીમાં મુંડે કેટલાંક નાગરિકની વ્યક્તિગત મુલાકાત માટે ગયા હતા. ત્યારબાદ ગ્રામીણ વિસ્તારમાં ગયા અને ત્યાંથી રાતે પરબી આવ્યા હતા. તેઓ કારમાં ઘરની નજીક મૌૈલાના આઝાદ ચોક પાસે પહોંચ્યા હતા તે સમયે ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો. કારનો અકસ્માત થતાં મુંડેને છાતીમાં અને માથા પર ઈજા થઈ હતી. પરબીમાં ડોકટરે ઘરે જઈને તેમની તપાસ કરી હતી. જો કે મુંડેને આજે વધુ સારવાર માટે એર અમ્બ્યુલન્સમાં મુંબઈ લાવવામાં આવ્યા હતા.
મુંબઈ આવતી વખતેમુંડેના નજીકના કાર્યકર્તા તેમના માથા પર પાટો બાંધતા જોવા મળ્યા હતા. મુંડેના કપાળનો ઉપરનો ભાગ દેખાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. મીડિયાના કેમેરા અને ભીડ જોઈને મુંડે તરત જ મુંબઈ જવા રવાના થઈ ગયા હતા.
અકસ્માત બાદ દનંજય મુંડે દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ સિવાય વધુ માહિતી આપવામાં આવી નહોતી. ફેસબુક પોસ્ટમાં મુંડેએ કહ્યું હતું કે તેમને માત્ર છાતીમાં સામાન્ય ઈજા થઈ છે. જો કે મુંડેની કારની હાલત જોઈને સ્પષ્ટ થાય છે કે આ અકસ્માત મામૂલી નહોતો. અકસ્માગ્રસ્ત કારનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એમાં મુંડેની કાર કવરથી ઢંકાયેલી જોવા મળે છે. આ કવર સાથે લીધેલા ફોટાથી મુંડેની કારના બોનેટ નુકસાન થયું હોવાની ખબર પડે છે. આ દુર્ઘટનાની ચર્ચા રાજકીય વર્તુળોમાં પણ થઈ રહી છે.