મુંબઈ અને દિલ્હીમાં એનસીબીના દરોડાઃ 15 કરોડના કોકેઈન સાથે 2ની ધરપકડ

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
મુંબઈ અને દિલ્હીમાં એનસીબીના દરોડાઃ 15 કરોડના કોકેઈન સાથે 2ની ધરપકડ 1 - image


મુંબઈની હોટલમાંથી વિદેશી ઝડપાયો, સાગરિતની દિલ્હીથી ધરપકડ

ઝાંબિયન નાગરિકની બેગમાંથી 2 કિલ્લો જથ્થો મળ્યોઃ ઇન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટનું નેટવર્ક મુંબઇ, દિલ્હી, બેન્ગાલુરૃ અને ગોવામાં ફેલાયેલું છે 

મુંબઇ :  નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના બે કેરિઅર્સને ઝડપી લઇ તેમની પાસેથી મુંબઇ અને નવી દિલ્હીમાંથી બે કિલો કોકેઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. ચોક્કસ બાતમીને આધારે એનસીબીની મુંબઇ ટીમે ગુરૃવારે એક હોટલ પર છાપો મારી ડ્રગ કેરિઅર તરીકે કામ કરતાં ઝાંબિયન નાગરિકને ઝડપી લીધો હતો. 

ગિલ્મોર નામના આ ઝાંબિયને ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ મેળવવા માટે લુસાકાથી અડિસઅબાબાની મુલાકાત લીધી હતી. કન્સાઇનમેન્ટ મેળવી આ ઝાંબિયન મુંબઇ પહોંચી એક હોટલમાં ઉતર્યો હતો. જ્યાં એનસીબીની ટીમે તેની હોટલની રૃમમાં સર્ચ કરી હતી. જેમાં એક બેગમાં છુપાવેલું  બે કિલો કોકેઇનમળી આવ્યું હતું. 

પૂછપરછ દરમ્યાન એનસીબીને આ કેરિઅરનું હેન્ડલર દ્વારા સંચાલન થતું હોવાનું જણાયું હતું. હેન્ડલરે ગિલ્મોરને દિલ્હી જઇ આ ડ્રગની ડિલિવરી કરવા જણાવ્યું હતું. એનસીબીની ટીમ ગિલ્મોર પર જાપ્તો રાખી તેને દિલ્હી લઇ ગઇ હતી. જ્યાં તેની પાસેથી ડ્રગ લેવા આવેલી ટાન્ઝાનિયાની મહિલા એમઆર ઓગસ્ટિનોની પણ શનિવારે  ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીને પૂછપરછ દરમ્યાન જણાયું હતું કે ઇન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટનું નેટવર્ક મુંબઇ, દિલ્હી, બેન્ગાલુરૃ અને ગોવામાં ફેલાયેલું  છે. તાજેતરમાં ભારતના વિવિધ શહેરોમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ ઝડપાતાં ઇન્ટરનેશનલ કાર્ટેલ કાર્યરત હોવાની શંકા  સૂત્રોએ વ્યક્ત કરી હતી.  



Google NewsGoogle News