ઈડીએ વિરોધ નહીં કરતાં નવાબ મલિકને વધુ 6 મહિના જામીન
સુપ્રીમે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન લંબાવ્યાં
દાઉદ ગેંગ સાથે સાંઠગાંઠના આરોપીના જામીન લંબાવવા સામે ઈડીએ વાંધો જ ન લીધો
મુંબઈ : સુપ્રીમ કોર્ટે એનસીપીના નેતા નવાબ મલિકને તબીબી કારણસર અપાયેલા કામચલાઉ જામીન છ મહિના માટે લંબાવવાનો નિર્દેશ આપ્યો છે.
અગાઉ મલિકને જામીન લંબાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા બોમ્બે હાઈ કોર્ટે સૂચના આપી હતી. આ અનુસાર મલિકે સુપ્રીમ કોર્ટ પાસે રાહત માગી હતી. મલિકની જામીનની મુદત ૯ જાન્યુઆરીએ પૂરી થતી હતી. જામીન આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો હોવાથી સુપ્રીમ કોર્ટમાં જામીન લંબાવવાની અરજી કરવાની રહેશે એમ હાઈ કોર્ટે જણાવ્યું હતું.
ઈડી વતી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ વિનંતીનો વિરોધ નહીં કરતાં ન્યા. બેલા ત્રિવેદી અને ન્યા. પંકજ મિથલની બેન્ચે મલિકની અરજી પર આદેશ અપ્યો હતો.
કોર્ટે જણાવ્યું હતું કે મલિકને અપાયેલા કામચલાઉ તબીબી જામીન વિનંતી મુજબ વધુ છ મહિના માટે લંબાવી શકાય છે. મુખ્ય અરજી છ મહિના બાદ લિસ્ટ કરવામાં આવે, એમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો.
મલિકને સુપ્રીમ કોર્ટે ત્રણ મહિના માટે વચગાળાના જામીન આપ્યા હતા. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથીદારો સંબંધી મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ ફેબુ્રઆરી ૨૦૨૨માં મલિકની ધરપકડ કરી હતી. મલિકે તબીબી કારણસર વચગાળાના જામીન મેળવ્યા હતા.