નેવીનાં યુદ્ધ- જહાજે અરબી વહાણને આંતરી 2500 કિલો ડ્રગ્સ પક્ડયું
હિન્દ મહાસાગરમાં દિલધડક ઓપરેશન
હેલિકોપ્ટરની મદદથી લોકેશન મેળવ્યું : મરીન કમાન્ડો અને સ્પેશ્યલ ફોર્સના જવાનો વહાણ પર ત્રાટક્યા
દરિયાઇ માર્ગે થતી દાણચોરી, કેફી દ્રવ્યોની હેરફેર અને બીજી ગુનાખોરી અટકાવવા માટે જુદા જુદા દેશોના નૌકાદળ તરફથી હિન્દ મહાસાગરમાં પોતપોતાના યુદ્ધ જહાજો તૈનાત કરવામાં આવ્યા છે. તેના ભાગરૂપે ભારતીય નૌકાદળનું આઇ.એન.એસ 'તર્કશ' શિપ પેટ્રોલિંગ કરતું હતું એ વખતે ૩૧મી માર્ચે મુંબઇના મેરીટાઇમ ઓપરેશન સેન્ટર અને નેવી નાં પી ૮૧ વિમાન તરફથી એક વહાણની શંકાસ્પદ હિલચાલની માહિતી અપાઈ હતી.
આઇએનએસ તર્કશ એડનના અખાત પાસે અરબી વહાણની દિશામાં આગળ વધ્યું હતું અને શિપમાંથી ઉડાડવામાં આવેલા હેલિકોપ્ટરની મદદથી વહાણનું ચોક્કસ લોકેશન મેળવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ વાહણને આંતરવામાં આવ્યું હતું અને મરીન કમાન્ડો તથા સ્પેશ્યલ ફોર્સના જવાનો વહાણમાં ચડયા હતા અને વહાણમાં તપાસ શરૂ કરી હતી. આ તપાસ વખતે વહાણના કાર્ગો- હોલ્ડમાં એકદમ સીલપેક ખોખામાં સંતાડવામાં આળેલું ૨૫૦૦ કિલો કેફીદ્રવ્ય મળી આવ્યું હતું. આમાં ૨૩૮૬ કિલો હશિસ અને ૧૨૧ કિલો હેરોઇનનો સમાવેશ થાય છે. ત્યાર પછી ભારતીય યુદ્ધ જહાજે તમામ ક્રુ- મેમ્બરને અટકમાં લઇ વહાણને કબ્જામાં લીધું હતું.
ભારતીય નેવી તરફથી તાજેતરના વર્ષોમાં પકડવામાં આવેલાં કેફી દ્રવ્યોના જથ્થામાં આ જથ્થો બહુ જ મોટો છે. મુંબઇમાં મુખ્ય મથક ધરાવતા વેસ્ટર્ન નેવલ કમાન્ડ હેઠળ કાર્યરત અગ્રીમ હરોળની ફ્રિગેટ આઇએનએસ 'તર્કશ' આ ક્ષેત્રમાં બીજા શંકાસ્પદ વહાણોની શોધખોળ હાથ ધરી છે. આરબ વહાણના ચાલકોની પૂછપરછ દરમિયાન મેળવવામાં આવેલી માહિતીને આધારે દરિયાઇ માર્ગે ડ્રગ્સની દાણચોરીને નાથવા માટે હિન્દ મહાસાગરમાં ભારત સહિત વિવિધ દેશોના નૌકાદળો તરફથી સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.