બોટ દુર્ઘટનામાં લાપતા બાળકની નેવી હેલિકોપ્ટર અને જહાજ દ્વારા સર્ચ ચાલુ
ટ્રાયલમાં ચાલકે કાબુ ગુમાવતાં અકસ્માતનું નેવી કર્મચારીનું પોલીસને નિવેદન
પોલીસે નેવી તથા મેરીટાઈમ બોર્ડને પત્ર પાઠવીને પૂછ્યું, સ્પીડ બોટની ટ્રાયલની મંજૂરી કોણે આપી હતી
મુંબઈ - મુંબઈમાં ૧૪ લોકોનો ભોગ લેનારી બોટ દુર્ઘટનામાં ત્રીજા દિવસે પણ સાત વર્ષનો એક બાળક લાપતાં રહેલાં નેવીના હેલિકોપ્ટર તથા જહાજ દ્વારા તેના માટે સર્ચ ચાલુ રાખવામાં આવી હતી. બીજી તરફ પોલીસે નેવી કર્મચારીઓ સહિત અન્યોની પૂછપરછ પણ શરુ કરી છે.
ગત બુધવારે સાંજે નેવીની સ્પીડ બોટમાં નવું એન્જિન બેસાડાયા બાદ તેની ટ્રાયલ ચાલતી હતી ત્યારે એન્જિન ઠપ પડતાં સ્પીડ બોટ બેકાબુ બની હતી અને તે ગેટ વે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી નીલકમલ નામની ફેરી બોટ સાથે અથડાઈ હતી. ફેરી બોટ ડૂબી જતાં સર્જાયેલી દુર્ઘટનામાં ૧૪ લોકોનાં મોત થયાં હતાં જ્યારે અન્ય ૧૦૦થી વધુને ઉગારી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં હજુ સાત વર્ષનો એક બાળક જોહાન મોહમ્મદ નિસાર અહમદ પઠાણ લાપતા છે. તેને શોધવા માટે નેવીએ હેલિકોપ્ટર તથા જહાજો દ્વારા ત્રીજા દિવસે પણ સર્ચ ચાલુ રાખી હતી.
પોલીસને મહારાષ્ટ્ર મેરીટાઈમ બોર્ડ તરફથી પ્રાપ્ત થયેલા દસ્તાવેજો અનુસાર નીલકમલ બોટને ૮૪ પ્રવાસીઓ તથા છ ક્રૂ મેમ્બર્સ એમ કુલ ૯૦ લોકોને લઈ જવાની મંજૂરી હતી. પરંતુ, દુર્ઘટના સમયે તેના પર ૧૦૦થી વધુ લોકો સવાર હતા.
કોલાબા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરી છે. નેવીએ પણ પોતાનું અલાયદું ઈન્ક્વાયરી બોર્ડ રચી તપાસ હાથ ધરી છે.
પોલીસે આ દુર્ઘટનામાં ઘવાયેલા નેવીના કર્મચારી કરમવીર યાદવનું નિવેદન લીધું હતું. કરમવીર હાલ હોસ્પિટલમાં દાખલ છે. તેણે પોલીસને જણાવ્યા અનુુસાર સ્પીડ બોટના એન્જિનની ટ્રાયલ ચાલતી હતી ત્યારે બોટના ચાલકે કાબુ ગુમાવી દીધો હતો અને તેના કારણે સ્પીડ બોટ ફેરી બોટ સાથે અથડાતાં દુર્ઘટના સર્જાઈ હતી.
પોલીસ આ ફેરી બોટ તથા સ્પીડ બોટની પણ ચકાસણી કરી રહી છે. કોલાબા પોલીસે નેવી તથા મેરીટાઈમ બોર્ડને પણ પત્ર પાઠવ્યો છે અને પેસેન્જર ફેરીના રુટમાં સ્પીડ બોટની ટ્રાયલ માટે કોણે મંજૂરી આપી હતી તે જાણવા માગ્યુ છે .