નવપરણિતાનું કિલ્લાની ટોચ પરથી સેલ્ફી લેવા જતાં ખીણમાં ખાબકતાં મોત
- 24 વર્ષની યુવતી પ્રબલગઢ કિલ્લાની ટોચ પરથી 200 ફૂટ નીચે ખાબકી
- પુણેની યુવતીનાં હજુ આઠમી ડિસેમ્બરે જ લગ્ન થયાં હતાં : કિલ્લાની ટોચની કિનારેથી સેલ્ફી લેવા જતાં પગ લપસ્યો
મુંબઈ : પુણેની ૨૪ વર્ષીય નવવિવાહીત મહિલાનું ગુરુવારે બપોરે સેલ્ફી લેતી વખતે પ્રબલગઢ કિલ્લાની ટોચ પરથી લગભગ ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી મોત થયું હતું. આ અંગે પનવેલ પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે.
મૃતક મહિલાની ઓળખ પુણેના દત્તવાડીની રહેવાસી શુભાંગી પટેલ તરીકે થઈ છે. શુભાંગી અને વિનાયક પટેલ (ઉં.વ. ૨૭) ના ૮ ડિસેમ્બરે લગ્ન થયા હતાં. તેથી બન્ને આ કિલ્લા પર પ્રવાસ માટે આવ્યા હતા. જેમાં કિલ્લાની ટોચ પરથી સેલ્ફી લેતી વખતે આ ઘટના બની હતી, એમ પનવેલ પોલીસના એક સિનીયર ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, આ દંપતી લગ્ન બાદ બુધવારે તેમના હનીમુન માટે લોનાવાલા જવા નીકળ્યું હતું અને ગુરુવારે સવારે દંપતી ટ્રેકિંગ માટે પ્રબલગઢ કિલ્લા પર ગયા હતા. જ્યાં બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ કિલ્લાના શિખરે પહોંચ્યા પછી શુભાંંગીએ કિલ્લાની ટોચની કિનારે ઉભા રહીને સેલ્ફી લેવાનું શરુ કર્યું હતું જે બાદ તેનું સંતુલન ગુમાવતાં આકસ્મિક રીતે લપસી પડી તે નીચે પટકાઈ હતી, એમ તેના પતિએ જણાવ્યું હતું.
આ ઘટના બનતાં વિનાયકે તરત જ પનવેલ તાલુકાની પોલીસને જાણ કરી હતી. આ ઘટના બનતાં કિલ્લાના કેટલાક ટ્રેકર્સ અને સ્થાનિક એનજીઓ, પર્યાવરણપ્રેમીઓ વગેરેના દોરડા અને સલામતી સાધનોની મદદથી રેસક્યુ ટીમ ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં પહોંચી હતી. જ્યાં શુભાંગી ં તેના શરીર પર અનેક ઈજાઓ સાથે મળી આવી હતી. તેને તાત્કાલિક પનવેલ સબ- ડિસ્ટ્રીક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં માથામાં ગંભીર ઈજાને કારણે ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
હાલ શુભાંગીનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે, પરિવારને આમાં કોઈ અયોગ્ય રમતની શંકા નહોતી લાગી. તેથી પ્રાથમિક દ્રષ્ટિએ, પોલીસે આ મામલે અકસ્માત મૃત્યુનો કેસ નોંધ્યો હતો. આ ઘટનાની હાલ વધુ તપાસ ચાલું છે, એમ વધુમાં સિનીયર પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું.
પ્રબલગઢ કિલ્લો મહારાષ્ટ્રના પશ્વિમ ઘાટમાં રાયગઢ જિલ્લામાં માથેરાન અને પનવેલ વચ્ચે લગભગ ૨૩૦૦ ફુટની ઊંચાઈએ આવેલો છે. કિલ્લા તરફ જતી સીડીઓ ડુંગરની શિલાને કાપીને બનાવવામાં આવી હતી. કિલ્લા પર ચડતા ટ્રેકર્સ માટે બાજુ પર કોઈ સલામતી રેલિંગ નથી અને દિવાલ પર કોઈ દોરડા પણ નથી, એમ પોલીસે વધુમાં કહ્યું હતું.