માંદગીનું કારણ આગળ ધરી નવનીત રાણા કોર્ટ સુનાવણીમાં ગેરહાજર
હનુમાન ચાલીસા પઠન કેસની સુનાવણી
નવનીત રાણાના પતિ અને અમરાવતીના ધારાસભ્ય રવિ રાણાએ હાજરી પુરાવી
મુંબઈ : માજી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન સામે હનુમાન ચાલીસાનું પઠન કરવાના વિવાદ બાદ નોંધાયેલા કેસમાં ભાજપના નેતા અને આરોપી નવનીત રાણાએ માંદગીનું કારણ ધરીને હાજરી આપી નહોતી. જોકે તેમના પતિ અને અમરાવતીના ધારાસભ્ય રવિ રાણા હાજર રહ્યા હતા. કોર્ટે સુનાવણી બીજી જુલાઈ પર રાખી છે.
રાણા દંપતીને હાલમાં જ ૨૦૨૨ના હનુમાન ચાલીસા પ્રકરણને લઈ નોંધાયેલા કેસમાં આરોપમુક્તિની અરજી કોર્ટે રદબાતલ કરી હતી. ૨૦૨૨માં ધરપકડનો વિરોધ કર્યા બાદ એક સરકારી કર્મચારીને ફરજ બજાવતાં રોકવા બદલ અમરાવતીના અપક્ષ સાંસદ નવનીતિ રાણા અને વિધાનસભ્ય પતિ રવિ રાણા સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
તત્કાલિન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બાંદરા સ્થિત ખાનગી નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસા નું પઠન કરવાની રાણા દંપતીએ ઘોષણા કરી હતી. ત્યાર બાદ પોલીસે કાર્યવાહી કરીને તેમને અટકમાં લીધા હતા. વિશેષ કોર્ટે દંપતીની દોષમુક્તિની અરજી ફગાવી હતી. બંને સામે પુરતા પુરાવા હોવાની કોર્ટે નોંધ કરી હતી.
રાણા દંપતીએ હાઈ કોર્ટમાં સમીક્ષા અરજી કરી છે. હાલ દંપતી જામીન પર છે. ઉલ્લેખનીય છે કે નવનીત રાણાનો હાલની લોકસભા ચૂંટણીમાં પરાભવ થયો હતો.