જેટ એરવેઝના નરેશ ગોયલના કેસમાં સંડોવણી બતાવી મહિલા સીએ સાથે રૃ. 34.70 લાખની છેતરપિંડી
સરખરી મોડ્સ ઓપરેન્ડી વાપરી ઠગાઈનો સીલસીલો ચાલુ
બેન્ક એકાઉન્ટનો મની લોન્ડરિંગ કેસમાં ઉપયોગ થયો હોવાનું જણાવી રકમ પડાવી
મુંબઇ : વિલે પાર્લે (ઇ.)માં રહેતા એક મહિલા ચાર્ટર્ડ એકાઉન્ટ (સીએ) સાથે રૃ. ૩૪.૭૦ લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં ફ્રોડસ્ટરોએ મુંબઈ પોલીસના અધિકારી હોવાનો દાવો કરી મહિલા સીએને એવું જણાવ્યું હતું કે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કરોડો રૃપિયાની ઉચાપત માટે તેમના બેન્ક એકાઉન્ટ અને નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે જ સીએને ધરપકડનો ડર દેખાડી વિવિધ બેન્ક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી.
આ મામલે ગયા અઠવાડિયે ૩૪ વર્ષીય મહિલા સીએએ ફરિયાદ નોંધાવ્યા બાદ ગયા અઠવાડિયે પોલીસે એફઆઇઆર નોંધી હતી. પોલીસના જણાવ્યાનુસાર ૧૦ માર્ચના રોજ મહિલાને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળક ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ના અધિકારી તરીકે આપી તેમનું નામ, સરનામું અને આધાર કાર્ડની વિગતો આપી વાત કરવાનું શરૃ કર્યું હતું. તેણે સીએને જણાવ્યું હતું કે તેમના રજિસ્ટર્ડ નંબર પરથી ત્રાસદાયક કોલ આવતા હોવાની ફરિયાદ થઈ છે અને આ મામલે ચુનાભઠ્ઠી પોલીસ સ્ટેશનમાં કેસ થયો છે. તેથી તરત જ ચુનાભઠ્ઠી પોલીસ સ્ટેશનમાં પહોંચી જવાની તાકિદ સીએને કરવામાં આવી હતી. સીએએ આ તમામ આરોપો ફગાવી દેતા. કોલરે તેને સ્કાઇપ કોલ પર આવવા જણાવ્યું હતું.
સીએને થોડા જ સમયમાં સ્કાઇપ પર વિડિયો કોલ આવ્યો હતો. જેમાં મુંબઈ પોલીસનો લોગો પણ નજરે પડતો હતો. તેણે જ્યારે કોલ રિસિવ કર્યો ત્યારે પોલીસ યુનિફોર્મમાં બેસેલા અધિકારીએ ચુનાભઠ્ઠી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર હોવાનું જણાવી તેના સીમ કાર્ડ નંબર પરથી લોકોને અશ્લીલ મેસેજ અને વિડિયો મોકલવામાં આવી રહ્યા છે અને તેથી લોકોએ પરેશાન થઈ ફરિયાદ કરી છે. અધિકારીએ આગળ જણાવ્યું હતું કે તેમના નામે એક સરકારી બેન્કમાં ખાતું ઉઘાડવામાં આવ્યું છે અને તેમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ સંબંધી મની લોન્ડરિંગના નાણાજમા કરવા તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સમયે પણ સીએએ આ બાબતે તેનો કોઈ જ રોલ ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
સીએને ત્યાર બાદ સ્કાઇપ પર જ સીબીઆઇનો સંપર્ક કરવાનું જણાવી અમુક વિગતો પૂરી પાડવામાં આવી હતી. સીએએ કોલ કરતા સામેથી મહિલા સીબીઆઇ અધિકારીએ તેનો ફોન રિસિવ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર તેના બાબતની વિગત ચેક કરવાનું જણાવી એક લિન્ક મોકલી હતી. સીએએ તેનું નામ સર્ચ કરતા તેની સામે ઈડીનું નોન-બેલેવલ વોરંટ નજરે પડયું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ સુપ્રીમ કોર્ટની બનાવટી વેબસાઇટ હતી, પણ સીએ ઝાંસામાં આવી ગઈ હતી અને તેણે પ્રથમ રૃ. ૨૦.૭૦ લાખની એફડી તોડાવી હતી અને અન્ય બેન્કો તેમ જ બચતમાંથી બીજા ૧૪ લાખ એમ રૃ. ૩૪.૭૦ લાખ ફ્રોડસ્ટરોને વિવિધ એકાઉન્ટ પર મોકલી દીધા હતા. ત્યાર બાદ છેતરિંડી થઈ હોવાનું બહાર આવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.