ફલેટના વિવાદમાં ફેશન ડિઝાઈનર અર્ચના કોચર સામે નણંદની ફરિયાદ

Updated: May 8th, 2024


Google NewsGoogle News
ફલેટના વિવાદમાં  ફેશન ડિઝાઈનર અર્ચના કોચર સામે નણંદની ફરિયાદ 1 - image


જુહુના ફ્લેટને માટે ભાઈ-બહેન વચ્ચે કાનૂની વિવાદ 

ભાઈ રાજીવ કોચર અને ભાભી અર્ચના કોચરે બાઉન્સર નગમાને કહી મારપીટ કરાવ્યાનો નણંદનો પોલીસ ફરિયાદમાં આરોપ

મુંબઈ :  પ્રખ્યાત સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર અર્ચના કોચર સહિત બે વ્યક્તિ સામે મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અર્ચના કોચરની નણંદ પ્રિયા જેટલીની ફરિયાદના આધારે આ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ા સંદર્ભે અર્ચનાની નણંદ પ્રિયા જેટલીએ પોલીસને આપેલ નિવેદનમાં જણાવ્યું હતું કે ૨૮ એપ્રિલના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે તેનો ભાઈ રાજીવ કોચર તેના જુહુના આઝાદ નગરના ઘરમાં આવ્યો હતો જે પિતાએ પ્રિયાને આપ્યું હતું.

જો કે ભાઈ રાજીવે આ ઘર પર દાવો કરતા કાનૂની વિવાદ ચાલી રહ્યા છે. દરમિયાન રાજીવે ઘરમાંથી વસ્તુઓ લઈ જવાનું શરૃ કરતા પ્રિયાએ વિરોધ નોંધાવ્યો હતો અને  તે ત્યાંથી હટી નહોતી. દરમિયાન રાજીવે તેને ત્યાંથી નીકળી જવા જણાવ્યું હતું. જો કે પ્રિયાએ આ ઘર તેનું હોવાનું કહેતા રાજીવે પત્ની અર્ચનાને બોલાવી વીધી હતી. આ સમયે અર્ચના આવી ત્યારે તેની સાથે નગમા નામની મહિલા બાઉન્સરને સાથે લાવી હતી.

બાઉન્સર નગમાએ પ્રિયાનો હાથ પકડી તેને ઘરમાંથી બહાર ખેંચી કાઢવાનો પ્રયાસ કર્યો હતો જેથી પ્રિયાએ ઘરમાંથી બહાર ન નીકળવાનું જણાવી સોફા પર જ બેસી રહી હતી. આથી નગમાએ તેની મારપીટ કરી તેના વાળ ખેંચી કાઢ્યા હતા. આટલેથી ન અટકતા અર્ચનાએ ગાઉન અને ઓઢણી ખેંચી લીધી હોવાનો આરોપ પ્રિયાએ કર્યો હતો. આ સિવાય રાજીવે પ્રિયાને ઘરની બહાર કાઢવા જોર-જોરથી બૂમો પાડી હતી. આ સમયે વોચમેન ગોવિંદ દોડી આવતા તેને પણ બહાર નીકળી જવાનું કહી દરવાજો અંદરથી લોક કરી દીધો હતો. ત્યારબાદ પ્રિયાએ મુંબઈ પોલીસને ૧૧૨ નંબર પર કોલ કરી પોલીસની મદદ માગતા પોલીસ આવ્યા હતા અને રાજીવને તાબામાં લીધો હતો. ત્યારબાદ પ્રિયાએ જુહુ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ કરતા પ્રિયાની ફરિયાદના આધારે જુહુ પોલીસે અર્ચના કોચર, રાજીવ કોચર અને બાઉન્સર નગમા સામે આઈપીસીની કલમ ૩૫૪, ૩૪૧, ૩૨૫ અને ૩૪ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અર્ચના કોચર એક લોકપ્રિય ભારતીય ફેશન ડિઝાઈનર છે અને તેના કામની નોંધ વૈશ્વિક સ્તરે લેવામાં આવે છે. અર્ચના કોચરના ડિઝાઈનર ડ્રેસ-આઉટરી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ફેશન વીકમાં રજૂ થાય છે.



Google NewsGoogle News