આતંકી હુમલા બાદ ભાગતી વખતે નાગપુરની મહિલાને પગે ફ્રેકચર
પરિવારના અન્ય સભ્યો સુરક્ષિત
ગોળીબારનો અવાજ સાંભળીને પરિવાર ટેકરી પરથી કૂદી પડયો
મુંબઈ - કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં બચવા માટે નાગપુરની એક મહિલા તેના પરિવારના સભ્યો સાથે ટેકરી પરથી કૂદી પડી હતી. જેના કારણે મહિલાના પગમાં ફ્રેકચર થયું હતું, એમ મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર ઓફિસ (સીએમઓ)એ જણાવ્યું હતું.
પહલગામમાં મંગળવારે બપોરે અતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે કાશ્મીરના પહેલગામમાં ટેરરિસ્ટ એટેકના સમયે નાગપુરનો એક પરિવાર પણ ત્યાં હતો. ગોળીબારનો અવાજ સાંભળીને તેઓ જીવ બચાવવા ટેકરી પરથી કૂદી પડયા હતા. જેના લીધે સિમરન રૃપચંદાનીનો પગે ફ્રેકચર થઈ ગયું હતું.
તેમની સાથે અન્ય બે વ્યક્તિ ગર્વ અને તિલક રૃપચંદાણી પણ હતા. તેઓ સુરક્ષિત છે. તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે. તેમને જરૃરી તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે એમ સીએમઓએ ઉમેર્યું હતું.