મહારાષ્ટ્રમાં 11મી સદીનું શિવ મંદિર મળી આવ્યું, પુરાતત્વ વિભાગને 3 શિલાલેખ પણ મળ્યાં
Image Source: Twitter
Shiva Temple Found In Nanded: મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના હોટ્ટલ ગામમાં સંરક્ષણ કાર્ય દરમિયાન પુરાતત્વ વિભાગને 11મી સદીનું શિવ મંદિર મળી આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે, ચાલુક્ય કાળમાં મંદિરો માટે પ્રસિદ્ધ હોટ્ટલમાં સંરક્ષણ કાર્ય દરમિયાન પુરાતત્વ વિભાગને ત્રણ શિલાલેખ પણ મળી આવ્યા છે.
ઐતિહાસિક મંદિરોના સંરક્ષણ કાર્ય દરમિયાન મળી આવ્યું મંદિર
તેમાં એ દાતાઓનો ઉલ્લેખ છે જેમણે 1070 ઈસવીસનની આસપાસ આ મંદિરોના નિર્માણમાં યોગદાન આપ્યુ હતું. આ વિસ્તાર એક સમયે કલ્યાણી ચાલુક્યોની રાજધાની હતો. તે પોતાના મંદિર પરિસર માટે પ્રસિદ્ધ છે. અહીં સ્થિત કેટલાક ઐતિહાસિક મંદિરોના સંરક્ષણ કાર્ય દરમિયાન પુરાતત્વ વિભાગના અધિકારીઓની ટીમને એક મંદિર પાસેના કાટમાળને સાફ કરતી વખતે શિવ મંદિરના મૂળભૂત પાયો મળી આવ્યો છે.
મોટી સંખ્યામાં ઈંટો પણ મળી આવી
રાજ્ય પુરાતત્વ વિભાગના નાંદેડ વિભાગના પ્રભારી અમોલ ગોટેએ જણાવ્યું કે, સ્ટ્રક્ચર શોધવા માટે ચાર ખાડા ખોદવામાં આવ્યા હતા. અહીં ભગવાન શિવના મંદિરનો પાયો મળી આવ્યો જેમાં શિવલિંગ પણ હતું. આ ઉપરાંત અમને મોટી સંખ્યામાં ઈંટો પણ મળી છે, જે દર્શાવે છે કે મંદિરના નિર્માણમાં ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.