નાગપુર એરપોર્ટ પર યુગાન્ડાથી આવેલા પ્રવાસી પાસેથી રૃ. 9 કરોડનું ડ્રગ્સ જપ્ત
કસ્ટમને બાતમી મળ્યા બાદ શંકાના આધારે અટકાવાયો
તામિલનાડુનો રહેવાસી એક પ્રોપેલર અને પ્લેટમાં મથાક્વોલોન સંતાડી કસ્ટમને જાણ કર્યા વિના ગ્રીન ચેનલમાંથી પસાર થઈ રહ્યો હતો
મુંબઇ : કસ્ટમ્સ વિભાગે યુગાન્ડાથી નાગપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવેલા એક પ્રવાસી પાસેથી રૃ. ૮.૮૧ કરોડની કિંમતનો માદક દ્રવ્યનો જથ્થો જપ્ત કર્યો હતો, તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી આ ડ્રગ કોને વેચવાનો હતો એની તપાસ ચાલી રહી છે.
નાગપુર કસ્ટમ્સ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે 'તામિલનાડુના રહેવાસી આરોપી પ્રવાસી પાસેથી રૃ. ૮.૮૧ કરોડનો ૨.૯૩૭ કિલો મેથાક્વોલોન ડ્રગ મળી આવ્યું છે.
કતાર એરવેઝની ફ્લાઇટમાં યુગાન્ડાથી દોહા થઈને ૪૫ વર્ષીય પ્રવાસી ગઈ કાલે વહેલી સવારે ત્રણ વાગ્યે એરપોર્ટ પર પહોંચ્યો હતો તે કસ્ટમ્સને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના ગ્રીન ચેનલમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અધિકારીઓએ તેને અટકાવ્યો હતો.
પ્રવાસીની વર્તણૂક શંકાસ્પ હતી. તેના સામાનમાંથી એક ડમી પ્રોપેલર અને બે પ્લેટ આકારની ડિસ્ક મળી હતી.
આ બન્નેને ખોલીને તપાસ કરતા અંદર સફેદ અને પીળા રંગનો પાવડર ભરેલો હતો. ડ્રગ ડિટેક્શન કિટમાં પાવડરની તપાસણી કરાઈ હતી. દરમિયાન આ પાવડર મેથાક્લોન ડ્રગ હોવાનું માલૂમ પડયું હતું.
આરોપી પ્રવાસની નાર્કોટિક્સ ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીેસ) એક્ટ હેઠળ ધરપકડ કરાઈ હતી.
આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીની માહિતી મેળવવામાં આવી રહી છે.
નાગપુર એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે અગાઉ જુદી જુદી કાર્યવાહીમાં રૃ. ૧૨ કરોડ સોનું જપ્ત કર્યું હતું.