મારા પતિ નિર્દોષ છે, તેમને દારુનું વ્યસન નથીઃ ડ્રાઈવરની પત્નીનો દાવો
મોરનો અકસ્માતનો કોઈ રેકોર્ડ નથી
પિતાને સંપૂર્ણ તાલીમ બાદ જ બસ સોંપાઈ હતી, ગાડીમાં જ ખામી હશેઃ પુત્ર
મુંબઇ : કુર્લાબની કિલર બેસ્ટ બસના ડ્રાઈવર સંજય મોરેના પત્નીએ દાવો કર્યો છે કે તેમના પતિને દારુ પીવાની કોઈ કુટેવ નથી. બીજી તરફ સંજય મોરેના પુત્રએ એવો બચાવ કર્યો છે કે પિતાને પૂરતી તાલીમ બાદ જ બસ સોંપવામાં આવી હતી.
કુર્લા (પશ્ચિમ)માં ગઇકાલે રાતે બેસ્ટ બસ નં. ૩૩૨ના ડ્રાઇવર સંજય મોરેએ રાહદારીઓ, બાઇક, રિક્ષા, વેન, પોલીસ જીપ, ટેક્સી, કાર અને અન્ય વાહનને અડફેટમાં લીધા હતા.
આરોપી મોરેને ઇલેક્ટ્રિક બસ ચલાવવામાં કોઇ અનુભવ ન હતો અને અકસ્માત વખતે તે દારૃના નશામાં હતો એવા તમામ આરોપો પર મોરે પરિવારે પ્રતિક્રિયા આપી હતી.
આરોપી સંજય મોરેના પુત્રએ જણાવ્યું હતું કે તેના પિતાએ આ પહેલા ક્યારેય કોઇ અકસ્માત કર્યો નથી. મારા પિતા દારૃના નશામાં ગાડી ચલાવતા હતા આ બધા અહેવાલો ખોટા છે. તેઓ દારૃ પીતા નથી. તેમની પાસે ૧૯૮૯થી ડ્રાઇવિંગ લાઇસન્સ છે. તેમણે પહેલી ડિસેમ્બરથી બસ ચલાવવા લીધી હતી. તે વાત ખોટી છે. છેલ્લા ત્રણ વર્ષથી લોકડાઉન બાદ મારા પિતા બેસ્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. આટલા વર્ષોમાં ક્યારેય આવો અકસ્માત થયો નથી કે કોઇને નુકસાન થયું નથી. તેમનો અકસ્માત કરવાનો કે કોઇને નુકસાન પહોંચાડવાનો ઇરાદો ન હતો. બસમાં ટેક્નિકલ ખામીના કારણે અકસ્માત થયો હોવાનું નિશ્ચિતપણે માનું છું.