મુસ્લિમ મહિલાને મહાલક્ષ્મી એક્સપ્રેસમાં પ્રસૂતિ થતાં દીકરીનું નામ મહાલક્ષ્મી રાખ્યું
કોલ્હાપુરથી મુંબઈ આવતાં લોનાવાલા પાસે ચાલુ ટ્રેને પ્રસૂતિ
મુંબઇ : ટ્રેનમાં કેટલાક પ્રવાસીઓ કોલ્હાપુર મહાલક્ષ્મી માતાનાં દર્શન કરીને આવ્યાં હતાં તેમણે બાળકીને દેવી સ્વરુપ ગણાવતાં મહા લક્ષ્મી નામ રાખવાનું નક્કી કર્યું
કોલ્હાપુરથી મુંબઈ આવતી મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેનમાં છઠ્ઠી જૂને મુસ્લિમ મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. જેના પતિએ દીકરીનું નામ ટ્રેનના નામ ઉપરથી મહાલક્ષ્મી રાખવાનું નક્કી કર્યું છે.
મીરા રોડમાં રહેતી ૩૧ વર્ષની ફાતિમા ખાનનું તેના પતિ તૈયબ જોડે કોલ્હાપુરથી મુંબઈની સફર કરી રહી હતી. દરમિયાન લોનાવલા સ્ટેશનેથી ટ્રેન પસાર થયા બાદ ગર્ભવતી ફતિમાને પ્રસૂતિ પીડા ઉપડી હતી.
તૈયબે જણાવ્યું હતું કે તેમને ત્રણ દીકરાઓ ફાતિમાની ડિલિવરી ડેટ ૨૦મી જૂને હતી. તેથી તેમણે કોલ્હાપુરથી મુંબઈ તેમના ઘરે પાછા આવી જવાનું નક્કી કર્યું હતું અને છઠ્ઠી જૂને પ્રવાસ કરી રહ્યા હતા. તે વખતે ટ્રેને બે કલાક સુધી લોનાવલા સ્ટેશને એન્જિન બગડી જવાથી ઊભી રહી હતી. ટ્રેન ફરીથી રાતે ૧૧ વાગ્યે શરૃ થયા બાદ તેની પત્ની પીડા થવાથી તે બાથરૃમમાં ગઈ હતી. ફતિમા ઘણા સમય બાદ પણ પાછી ન ફરતા તૈયબ તેને જોવા ગયો હતો. તૈયબે કે તેની પત્નીની પ્રસૂતિ થઈ ગઈ હતી. આસપાસની મહિલા પ્રવાસીઓએ તેમને મદદ કરી હતી.
તૈયબ અને ફાતિમા સાથે પ્રવાસ કરતા કેટલાક લોકો કોલ્હાપુરમાં મહાલક્ષ્મી માતાના મંદિરે દર્શન કરીને આવ્યા હતા. તેમણે બાળકીને જોઈને કહ્યું હતું કે આ રીતે બાળકીનો જન્મ થતો જોઈ તેમને સાક્ષાત દેવીના દર્શન થયા છે. જે સાંભળીને તૈયબે તેમની દીકરીનું નામ મહાલક્ષ્મી રાખવાનું નક્કી કર્યું હતું.
ટ્રેનમાં રહેલા જીઆરપી કોન્સ્ટેબલે તૈયબને જીઆરપી હેલ્પલાઇન ઉપર પરિસ્થિતિની જાણ કરવાની સલાહ આપી હતી. ટ્રેન જ્યારે કર્જત સ્ટેશને પહોંચી ત્યારે આ પરિવાર ઉતરી ગયું હતું. કર્જત જીઆરપીના એપીઆઇ મુકેશ ધાંગેએ કહ્યું હતું કે તેમણે કર્જનની ઉપ-જિલ્લા હોસ્પિટલમાં જાણ કરી દીધી હતી. મહિલાને સ્ટેશને સેવા એક નર્સ અને હોસ્પિટલનો સ્ટાફ આવી પહોંચ્યો હતો. માતા અને બાળકીને હોસ્પિટલમાં ત્રણ દિવસની સારવાર બાદ રજા મળી હતી. તૈયબે કર્જત જીઆરપીએ કરેલી મેડિકલ મદદ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.