મેક્સિકન મહિલા ડીજે ઓપરેટર પર મ્યુઝિક કંપનીના માલિકનો બળાત્કાર
મુંબઇમાં મોડેલ બનવા આવી હતી
સ્લીક એન્ટરટેઈનમેન્ટના પ્રતીક પાંડેએ કોલકાતા, બેંગલુરુ, ઇન્દોર, સહિતના સ્થળોએ વારંવાર રેપ ગુજાર્યાની ફરિયાદ
મુંબઇ : મેક્સિકોથી મુંબઇ મોડેલ બનવા આવેલી અને ડીજે ઓપરેટર તરીકે કામ કરતી ૩૨ વર્ષીય મહિલા પર બળાત્કાર ગુજારવાની આરોપસર મ્યુઝિક કપંનીના માલિકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પીડિતા પર કોલકાતા, બેંગલુરુ, ઇન્દોર, ઇન્ટરનેશનલ મ્યુઝિક ફેસ્ટિવલ, ટુમોરોલેન્ડમાં ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો.
બાંદરા પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને પકડીને કોર્ટમાં હાજર કર્યો હતો. કોર્ટે તેને બીજી ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી આપી હતી.
આરોપી પ્રતિક પાંડેના વર્ષ ૨૦૨૦માં લગ્ન થયા હતા. સ્લીક એન્ટરટેઇનમેન્ટના સ્થાપક અને ડાયરેકટર ડાન્સ-મ્યુઝિક ફેસ્ટિવલ અને ગીગ્સનું આયોજન કરે છે.
મેક્સિકોના ટાબાસ્કોમાં રહેતી ૩૨ વર્ષીય પીડીતા જુલાઇ ૨૦૧૭માં પહેલીવાર મુંબઇ આવી હતી. તેણે પાંડે સામે મોડેલ બનવાની ઇચ્છા દર્શાવી હતી. પછી મહિલા તેની સાથે મ્યુઝિક ફેસ્ટિવલમાં ગીગ્સ અને ડીજેનું કામ કરતી હતી.
અમે શરૃઆતમાં પ્રોફેશનલ હેતુથી મળ્યા હતા. આરોપીએ વધુ અન્ય ઇવેન્ટ્સનું કામ આપવાનું વચન આપ્યું હતું. તેણે ધીમે ધીમે વાંધાજનક જોક્સ મોકલવાનું ચાલું કર્યું હતું. એક દિવસ આરોપીએ તેના એપાટેમેન્ટ બોલાવી મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. તે કાર્યક્રમ દરમિયાન વારંવાર હોટેલમાં મારી પાસે આવતો હતો અને લૈકિંગ અત્યાચાર કરતો હતો, એમ પીડિતાએ જણાવ્યું હતું.
તેજેતરની ઘટનામાં તેણે જુહુથી બાંદરા સુધી રિક્ષામાં પ્રવાસ વખતે મારા પર શારીરિક અને જાતીય હુમલો કરવાના પ્રયાસ કર્યો હતો. આથી મે પોલીસમાં ફરિયાદ નોંધાવાનું નક્કી કર્યું હતું. હું માત્ર મારા માટે જ નહીં પણ દરેક વ્યક્તિ જે કામ કરવા માટે બીજા દેશમાંથી મુંબઈ આવે છે તેના માટે ન્યાયની માંગણી કરું છું. હું મુંબઇ પોલીસ અને સરકારને યોગ્ય પગલાં લેવા વિનંતી કરું છું, એમ ફરિયાદી મહિલાએ વધુમાં કહ્યું હતું.
આરોપી સામે બળાત્કાર, અકુદરતી સેક્સ, ધાકધમકી, જાતીય સતામણી, પીછો કરવો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.