મુરજી પટેલે બોગસ દસ્તાવેજોથી ઓબીસી સર્ટિ. મેળવ્યાનો ગુનો દાખલ
મુંબઇના ભૂતપૂર્વ નગરસેવક સામે કોર્ટના આદેશના આધારે કેસ
કાસ્ટ વેલિડિટી સર્ટીફિકેટ ચકાસણી સમિતિએ તપાસ કરતા મામલો પ્રકાશમાં આવ્યો
મુંબઇ : બૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ભૂતપૂર્વ નગરસેવક મુરજી પટેલ સામે ઓબીસી સર્ટીફિકેટ મેળવવા બનાવટી દસ્તાવેજો સબમિટ કરવાના આરોપસર શાહુનગર પોલીસે કેસ નોંધ્યો છે. વર્ષ ૨૦૧૭ ચૂંટણી લડતી વખતે તેમને ઇલેકશન કમિશન સામે આ સર્ટીફિકેટ રજૂ કર્યું હતું.
તેમના માતા, પિતા અને દાદા-દાદીના દસ્તાવેજોમાં વિસંગતતા જોવા મળી હતી કાસ્ટ વેલિડિટી સર્ટીફિકેટ વેરિફિકેશન કમિટીએ તપાસ હાથ ધરી હતી. પછી સમિતિએ બાંદરા કોર્ટનો સંપર્ક કર્યો હતો કોર્ટે અંધેરી (પૂર્વ)ના ભૂતપૂર્વ નગરસેવક મુરજી પટેલ સામે કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. આ મામલે શાહુનગર પોલીસે બનાવટી કાસ્ટ સર્ટીફિકેટ સંબંધિત કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે.
લીગલ ઓફિસર મિલિંદ ભાનુદાસ પાટીલ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆર મુજબ ભૂતપૂર્વ કોર્પોરેટરે સબમિટ કરેલા દસ્તાવેજોમાં વિજિલન્સ ટીમને વિસંગતતાઓ જોવા મળી હતી.
આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. પટેલે તેમના શાળા છોડવાનું પ્રમાણપત્ર, પિતા કાનજીભાઇનું બર્થ સર્ટીફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ સબમિટ કર્યું હતું. પરંતુ કાનજીભાઇને જે સ્કૂલમાંથી લિવિંગ સર્ટીફિકેટ આપવામાં આવ્યું હતું તે સ્કૂલનો પતો લાગ્યો જ નહોતો.
સામાન્ય રીતે એવું બને છે કે જો કોઇ સ્કૂલ તેની કામગીરી બંધ કરે છે તો તેઓ ભવિષ્યના સંદર્ભ માટે પાડોશી સ્કૂલમાં તમામ જરૃરી દસ્તાવેજો રાખે છે. આ સમિતિ મુરજી પટેલના પિતાના સ્કૂલ છોડવાની સર્ટીફિકેટ સંબંધિત કોઇ દસ્તાવેજ શોધી શકી નહોતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
તેમને ૮ જુન, ૧૯૯૭ના સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ આપવામાં આવ્યું હતું પરંતુ ત્યારે રવિવાર હતો. દસ્તાવેજોની વધુ ચકાસણી કરતા બર્થ સર્ટીફિકેટમાં કાનજી પટેલના પિતાનું નામ લીરા અંબાલાલ પટેલ જ્યારે માતાનું નામ જસુબાઇ છે. જોકે આરોગ્ય વિભાગની ઓફિસમાં મળેલા મૂળ રેકોર્ડમાં કાનજીભાઇના પિતાનું નામ લિંબા અંબાજી અને માતાનું નામ સાવિત્રીબાઇ છે.
એફઆઇઆરની નોંધણીની પુષ્ટિ કરતા મુંબઇ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમે કોર્ટના આદેશના આધારે કેસ નોંધ્યો હતો અમે સ્વતંત્ર રીતે તમામ દસ્તાવેજોની તપાસણી કરીશું પછી આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.