હુક્કા પાર્લર પર દરોડામાં મુનવ્વર ફારુકીની પણ અટકાયત
બીગબોસ વિજેતા સ્ટેન્ડઅપ કોમેડિયન વધુ એક કાનૂની કેસમાં ફસાયો
પ્રતિબંધિત તમાકુના સેવન માટે ફારુકી સહિત અન્ય ૧૩ જણ સામે ગુનો દાખલ, જોકે, પૂછપરછ બાદ છોડી મૂકાયા
મુંબઇ : મુંબઇ પોલીસે મંગળવારે મોડી રાત્રે દક્ષિણ મુંબઇના ફોર્ટ વિસ્તારમાં એક હુક્કા પાર્લર પર છાપો માર્યો હતો. છાપામારીની આ કાર્યવાહી દરમિયાન બીગબોસ વિજેતા સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારુકી પણ આ પાર્લર પર મળી આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે ફારુકી સહિત ૧૩ જણને તાબામાં લીધા હતા. આ તમામની પૂછપરછ કર્યા બાદ પોલીસે તેમને છોડી મૂક્યા હતા પણ તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ે આ હુક્કા પાર્લરમાં તમાકુનો ઉપયોગ કરવામાં આવે છ તેવી બાતમીના આધારે પોલીસે આ હુક્કા પાર્લર પર છાપા માર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન હુક્કા પાર્લરમાં હાજર અમૂક લોકોને તાબામાં લીધા હતા જેમાં મુનવ્વર ફારુકીનો પણ સમાવેશ થતો હતો. આ તમામ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ફોર્ટમાં આ હુક્કા પાર્લર ગેરકાયદે ચલાવવામાં આવી રહ્યું હતું. રેડ દરમિયાન પોલીસે રૃા.૪,૪૦૦/-ની રોકડ અને રૃા.૧૩,૫૦૦/-ની કિંમતના નવ હુક્કા પોટ જપ્ત કર્યા હતા. સિગારેટ અને અન્ય તંબાકુ ઉત્પાદન અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
૩૨ વર્ષના સેન્ડઅપ કોમેડિયન ફારુકી કાયમ વિવાદોમાં ઘેરાયેલો રહેતો હોય છે. આ પહેલા ૨૦૨૧માં એક સ્ટેન્ડઅપ શો દરમિયાન હિન્દુ દેવી-દેવતાઓ બાબતે ટિપ્પણી કરવા પ્રકરણે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપસર તેની સામે ગુનો નોંધાયો હતો અને તેને એક મહિનો જેલમાં પણ રહેવું પડયું હતું. આ ઘટના બાદ ફારુકીએ કોમેડી છોડી દેવાનું એલાન કર્યું હતુ. પ્રચંડ વિરોધના કારણે તેના ૧૨ જેટલા શો રદ કરાયા હતા.