ભગવાન શ્રીરામે રચેલાં બાણગંગા તળાવના સૈકાઓ જૂનાં હેરિટેજ પગથિયાં પર પાલિકાએ જેસીબી ફેરવતાં આક્રોશ
ધાર્મિક આસ્થાનાં કેન્દ્ર તથા હેરિટેજ સાઈટ્ સમાન તળાવમાંથી કાંપ કાઢવાને બદલે પગથિયાં પર જ બૂલડોઝર
સ્થાનિક આસ્થાળુઓમાં ભારે સંતાપ સાથે રોષ ઃ મહાપાલિકાના અધિકારીઓ અને પાલક મંત્રી દોડયા, કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ, તત્કાળ સમારકામ શરુ
મુંબઇ : પૌરાણિક-ધાર્મિક મહત્વ ધરાવતાં ઐતિહાસિક બાણગંગા તળાવમાંથી કાદવકીચડ ઉલેચવા નિયુક્ત કરાયેલા કોન્ટ્રેક્ટરે જેસીબી મશીન દ્વારા પગથિયાને કાયમી નુકસાન પહોંચાડતા ભાવિક ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો છે. બાણગંગા પુરાતત્વીય સંરક્ષણ હેઠળ મૂકવામાં આવેલુ છે અને જેસીબી મશીનના ઉપયોગથી પગથિયાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. તેવું કહી આકેઓલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)એ મહાનગરપાલિકાને ઠપકો આપ્યો હતો. તળાવની માલિકી ધરાવતા જીએસબી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ભારે જનાક્રોશ ભભૂકતાં વિધાનસભા ચૂંટણી પહેલાં જ મોટો વિવાદ બને તેવી શક્યતા પારખી તત્કાળ મુંબઈ ઉપનગરોના પાલક મંત્રી સહિત પાલિકાના ઉચ્ચ અધિકારીઓ બાણગંગા તળાવ ખાતે દોડયા હતા અને કોન્ટ્રાકટર સામે પોલીસ તપાસનો હુકમ કરાયો હતો. જેને પગલે મલબાર હિલ પોલીસે કાન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કર્યો હતો. હવે પછી બાણગંગાનું સમારકામ આર્કિયોલોજી વિભાગની દેખરેખ હેઠળ અને સ્થાનિક નાગરિકોની ભાગીદારી ધરાવતી સમિતિ ના પરામર્શ હેઠળ જ કરવાનો નિર્ણય પણ લેવાયો હતો.
આ બનાવથી ભક્તો ભારે આઘાતમાં મૂકાઈ ગયા હતા. બાણ ગંગા તળાવ પ્રભુ શ્રી રામે છોડેલાં બાણથી પાતાળમાંથી વહી નીકળેલી ગંગા થકી રચાયું હોવાની માન્યતા છે. ખુદ પ્રભુનાં ચરણસ્પર્શ જ્યાં થયાં હતાં અને જ્યાં તેમણે પોતાના પિતાના પિંડદાનની વિધિ કરી હતી તેવાં આ સ્થળનું બહુ જ ધાર્મિક મહત્વ છે. અહીં અનેક આસ્થાળુઓ મૃત્યુ પછીની વિધિઓ માટે આવતા હોય છે તથા પવિત્ર સ્નાન માટે પણ ઉમટતા હોય છે.
બાણગંગા તળાવના રિડેવલપમેન્ટ માટેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો હતો. તેના ભાગરુપે તળાવમાંથી કાંપ કાઢવાની કામગીરી શરુ કરાઈ હતી. આ કામગીરી માટે પહોંચેલા કોન્ટ્રાક્ટરે સીધું પગથિયાંઓ પર જ જેસીબી ઉતારતાં સૈકાઓ જૂનાં પગથિયાંને નુકસાન થયું હતું. પુરાતત્વ પ્રેમીઓએ કહ્યંગ હતું કે આર્કિયોલિજિકલ સાઈટના રિસ્ટોરેશન તથા રિડેવલપમેન્ટના પણ કેટલાક નિયમો હોય છે. આ રીતે અણઘડ કામગીરી થાય નહીં.
જીએસબી ટ્રસ્ટના સીઇઓ (પ્રોજેક્ટસ) ઋત્વિક ઔરંગાબાદકરે કહ્યું કે તેમણે રાજ્ય સરકારના પુરાતત્વ વિભાગને જાણ કરી હતી. તેમણે કહ્યું કે કામ અટકી ગયું છે પણ અમે પુરાતત્વ વિભાગને લખીશું અને સંબંધિત કાયદા અનુસાર વિભાગ એફઆઇઆર કરશે. તળાવમાંથી કીચડ/ કાદવ ઉલેચવા રખાયેલા મહાનગરપાલિકાના કોન્ટ્રેક્ટરે ઐતિહાસિક ધરોહરને જેસીબી મશીનથી નષ્ટ કરી નાખી છે. આ પ્રાંગણમાં જેસીબી મશીન લાવવાની પરવાનગી જ નથી. આ ખૂબ જ આઘાતજનક કહેવાય.
એક સ્થાનિક રહેવાસીએ કહ્યું કે પગથિયા પર રબર પ્લાન (રબર વુડમાંથી બનાવેલું પાટિયુ) ગોઠવીને પછી મશીનરી લાવવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. એએસઆઇના અધિકારીએ ખાતરી આપી હતી હેવી મશીનરી માટે પરવાનગી ક્યારેય આપવામાં આવી ન હતી તેવું તેમણે કહ્યું હતું.
તળાવના પ્રાંગણમાં પ્રવેશવાની કઇ એજન્સીએ પરવાનગી આપી હતી તેવો પ્રશ્ન તેમણે કોન્ટ્રેક્ટરને પૂછયો હતો. પગથિયા નષ્ટ થઇ ગયા છે. તેમણે કહ્યું કે બાણગંગા ફક્ત ઐતિહાસિક ધરોહરની સાઇટ છે તેવું નથી. પગથિયા ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પણ ધરાવે છે તેવું તેમણે કહ્યું હતું.
લોકો જાણે છે કે ભગવાન શ્રીરામ અહીં આવ્યા હતા અને આ પગથિયાને તેમને ચરણ સ્પર્શયા હતા. અહીંના લોકો ખૂબ જ વ્યથિત થયા છે. આર્કિયોલોજિકલ સર્વેે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)એ મહાનગરપાલિકાના ડીવોર્ડને કડક ભાષામાં લખેલા પત્રમાં પાલિકાને ઠપકો આપ્યો હતો. અને પગથિયાને નુકસાન પહોંચાડવા અંગેના ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ (હકીકત શોધ અહેવાલ) રજૂ કરવાના નિર્દેશ આપ્યા હતા. સરકાર દ્વારા રક્ષિત સ્મારકના સંબંધિત ડિરેક્ટોરેટ દ્વારા ડીવોર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને નો ડિસ્ટર્બન્સે (અહીં કંઇ બદલવું નહી) સર્ટિફિકેટ સોંપવામાં આવ્યું હતું. ના હરકત પ્રમાણપત્ર (નો ઓબ્જેક્શન)માં સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે પુરાતત્વ વિભાગના ગાઇડન્સના આધારે કાર્ય કરવાનું રહેશે.
સ્મારકના કોઇ પણ હિસ્સાને નુકસાન પહોંચે તેવું કામ નહી કરવાનું મહારાષ્ટ્ર એન્સિયન્ટ મોન્યુમેન્ટસ એન્ડ આર્કેઓલોજિકલ સાઇટસ એન્ડ રુચીન્સ રુલ્સ ૧૯૬૨માં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે તેવું પુરાતત્વ વિભાગના સાંસ્કૃતિક બાબતોના ડિરેક્ટર સુજિતકુમાર ઉગલેએ કહ્યું હતું. તેમમે મહાનગરપાલિકાને લખેલા પત્રમાં કહ્યું કે આ અગાઉ કાદવ/ કીચડ કાઢવા અમે નાના મશીનનો ઉપયોગ કર્યો હતો. સોમવારે ભારે ભરખમ જેસીબી મશીન લાવવામાં આવ્યું હતું અને પગથિયાઓને નુકસાન પહોંચાડયું હતું. પુરાતત્વ વિભાગના નિર્દેશો અનુસાર કામ કરવામાં નહીં આવ્યું હતું તેવું પ્રતીત થાય છે.
પત્રમાં ઉગલેએ વધુમાં કહ્યું હતું કે કાર્ય તાત્કાલિક ધોરણે બંધ કરવું જોઇએ. બાણગંગા તળાવમાંથી ભારે મશીનરી હટાવવી અને આ ઓફિસમાં ફોટાઓ સાથેનો 'ફેક્ટ ફાઈન્ડિંગ' અહેવાલ તાત્કાલિક ધોરણે મોકલી આપવો. આવી ભારે મશીનરીનો હવે પછી ઉપયોગ થવો ન જોઇએ નહીં તો અગાઉ આપવામાં આવેલું સર્ટિફિકેટ રદ કરવામાં આવશે.
રમિયાન ડીવોર્ડના એક અધિકારીએ કહ્યું કે કોન્ટ્રેક્ટરે જેસીબી લાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ પથ્થરના પગથિયા નીકળી જવાની શરૃઆત થતા અટકી જવું પડયું હતું. પગથિયા નીકળી ગયા તે હિસ્સામાં એએસઆઇએ અગાઉ કામ કર્યું ન હતું પણ તળાવના ત્રણ ખૂણા પાસે કામ કર્યું હતું.
નવીનીકરણ માટે મહાનગરપાલિકાએ પગથિયાના પથ્થરોને ચિન્હિત કર્યા હતા. કેટલાક પથ્થર બરડ હતા અને તેમને હટાવી ફરી લગાવવાની દરખાસ્ત હતી અમે પથ્થરોને મૂળ સ્થાને પરી ગોઠવી દઇશું પણ તેમને નુકસાન થયું હતું. તળાવ આસપાસના તેર ઝૂંપડાને હટાવી દેવામાં આવ્યા છે તેવું પાલિકાના અધિકારીએ વધુમાં કહ્યું હતું. અહીં સફાઇ કરાશે અને પથ્થરો તરત જ ફરી ફિક્સ કરી દેવામાં આવશે.
બાણગંગા તળાવનું મહત્વ
વાલ્કેશ્વરમાં સ્થિત બાણગંગા તળાવનું ગ્રેડ વન હેરિટેજ વિસ્તારમાં વર્ગીકરણ કરાયું છે. ગૌડ સારસ્વત બ્રાહ્મણ મંદિર ટ્રસ્ટની માલિકીનું છે અને તેની જાણવણી રાજ્યનો પુરાતત્વ વિભાગ કરે છે. આ વિસ્તારમાં કાશી અને કાવલે મઠ સહિત ૧૬ પ્રમુખ મંદિર છે. ભગવાન શિવની પૂજા કરવા ૧૧૨૭માં શિલાહાર રાજવશે વિશાળ પગથિયા સાથેનું લંબચોરસાકાર તળાવનું સર્જન કર્યું હતું. તળાવની બાજુમાં મંદિરો અને ઘાટ આવેલા છે. મીઠા પાણીનું અંડરગ્રાઉન્ડ ઝરણું તળાવમાં પાણી પહોચાંડે છે.