પર્યુષણ વખતે પશુઓની કતલ પર પ્રતિબંધ વિશે વિચારી જોવા પાલિકાઓને આદેશ
આવતીકાલથી શરૃ થતા જૈનોના મહાપર્વ દરમ્યાન અહિંસાની યાચના
પ્રતિબંધની માંગ સાથે પીઆઈએલની સુનાવણીમાં હાઈકોર્ટે રાજ્યની મહાપાલિકા અને પાલિકાઓને સ્વાયત્ત રહી નિર્ણય લેવા જણાવ્યું
મુંબઈ : જૈન સમુદાયના પર્યુષણ પર્વ ૩૧ ઓગસ્ટથી સાત સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યભરમાં માંસનું વેચાણ અને પશુઓની કતલ પર કામચલાઉ બંધી લાદવાની દાદ માગતી જનહિત અરજી પર બોમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્રની મહાનગર પાલિકાઓને અરજી પર તાકીદે વિચારણા કરીને નિર્ણય લેવા જણાવ્યું છે. મુખ્ય ન્યા. દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યા. બોરકરની બેન્ચ સમક્ષ સુનાવણી થઈ હતી.
કોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે અમે વિનંતીને માન્ય કરવામાં કોઈ બાધા જણાતી નથી અને આ અનુસાર અમે ઓથોરિટીને અરજીમાં કરાયેલી રજૂઆત પર નિર્ણય લેવા આદેશ આપીએ છીએ. નિર્ણય તાકીદે લેવા પાલિકાઓને વિનંતી કરવામાં આવે છે કેમ કે ૩૧ ઓગસ્ટ થી તહેવાર શરૃ થઈ રહ્યો છે.
ઓથોરિટીના નિર્ણય સ્વાયત્ત અને કાયદા અનુસાર હોવા જરૃરી છે અને અમે રજૂઆતના તથ્ય પર કોઈ ટિપ્પણી કરી નથી, એમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી.
પુણેના શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરિટીઝ દ્વારા કરાયેલી અરજીમાં જણાવાયું છે કે અરજદાર અને અન્ય ૩૦ જૈન ચેરિટેબલ ટ્રસ્ટે મુંબઈ માહાપાલિકા અને વિવિધ પાલિકાઓને રજૂઆત કરીને પર્યુષણ પર્વ દરમ્યાન પશુની કતલ પર કામચલાઉ બંધી લાદવાની દાદ માગી છે.
આ બાબત જૈન સમુદાયના ધાર્મિક લાગણીને અસર કરનારી છે. પર્વ દરમ્યાન આધ્યાત્મિક પ્રવૃત્તિ અને આત્મશુદ્ધિ તથા અહિંસાના સિદ્ધાંતને અનુસરવામાં આવે છે. જ્યારે હકીકતમાં માંસના વેચાણ અને પશુઓની કતલથી જૈન સમુદાયને આવી બાબતોથી જૈનોની લાગણી દુભાય છે. અરજીમાં જણાવાયું છે કે ઐતિહાસિક અને ધાર્મિક સાહિત્યોમાં પણ મોગલોના કાળમાં પર્યુષણ દરમ્યાન પશુઓની કતલ પર બંધી લદાતી હતી. કોર્ટે આ બાબતની સુનાવણી ગુરુવારે થવાની શક્યતા વ્યક્ત કરી હતી.