મુંબઈની મ્યુનિસિપલ હોસ્પિટલોમાં પૂરતાં એમઆરઆઈ-સીટી સ્કેન મશીનો જ નથી
મુંબઇ બહારનાં સાધારણ કુટુંબનાં દરદીઓની સમસ્યા-યાતના વધી જાય છે
મુંબઇ : મુંબઇ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલોમાં બધું સમુંસુતરું નથી ચાલતું. કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલ(કેઇએમ), સાયન હોસ્પિટલ, બીવાયએલ નાયર હોસ્પિટલ વગેરેમાં અસંખ્ય દરદીઓએ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ(એમઆરઆઇ) અને કમ્પ્યુટેડ ટોમોગ્રાફી સ્કેન(સીટી સ્કેન) કરાવવા માટે કાં તો લાઇનમાં ઉભાં રહેવું પડે છે. અથવા ઘણા દિવસો સુધી રાહ જોવી પડે છે.
ઘણાં દરદીઓએ એવી ફરિયાદ કરી હતી કે પાલિકાની હોસ્પિટલોમાં આવી પરિસ્થિતિને કારણે અમારે નાછૂટકે ખાનગી હોસ્પિટલોમાં વધુ પૈસા આપીને એમ.આર.આઇ. અથવા સીટી સ્કેન કરાવવું પડે છે.
દરદીઓના કહેવા મુજબ મહાનગરપાલિકા સંચાલિત આ બધી હોસ્પિટલોમાંનાં એમઆરઆઇ અને સીટી સ્કેન મશીનો કાં તો કાર્યરત નથી અથવા તે મશીનોની કાર્યક્ષમતા ઓછી છે.
મુંબઇ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલોમાં મુંબઇ શહેર સહિત મહારાષ્ટ્રનાં જુદાં જુદાં સ્થળોએથી અસંખ્ય દરદીઓ તબીબી સારવાર માટે આવે છે. આમાંનાં અમુક દરદીઓની હાલત ચિંતાજનક હોવાથી તેમના એમ.આર.આઇ અથવા સીટી સ્કેન રિપોર્ટ જલદી મળે તે જરૃરી હોય છે.
મુંબઇ બહારથી આવતાં મોટાભાગનાં દરદીઓ સામાન્ય અને ગરીબ પરિવારનાં હોવાથી તેઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે. તેઓને ખાનગી હોસ્પિટલમાં એમ.આર.આઇ. કે સીટી સ્કેન પરવડતું નથી.
કે.ઇ.એમ. હોસ્પિટલમાં સારવાર માટે મુંબઇ બહારથી આવેલા સાધારણ કુટુંબના નીતિન(નામ સાચું નથી)ને ડાબા હાથમાં અસહ્ય પીડા થતી હતી. નીતિનના સ્થાનિક ડોક્ટરે જરૃરી સારવાર કરી. આમ છતાં નીતિનને વધુ અને આધુનિક સારવારની જરૃર હોવાની સલાહ મળી. છેવટે નીતિન તેનાં માતાપિતા સાથે મુંબઇની કે.ઇ.એમ. હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો. અહીં નીતિનને એમ કહેવામાં આવ્યું કે તમે પહેલાં તમારો એમ.આર.આઇ. રિપોર્ટ લઇ આવો પછી અમારા ડોક્ટર તમારી સારવાર કરશે કારણ કે હાલ અમારું એક જ મશીન કાર્યરત છે. અથવા તો તમારે (નીતિને) ૨૦૨૩ના જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે.
આવી જ ચિંતાજનક પરિસ્થિતિ પાલિકા સંચાલિત બી.વાય.એલ. નાયર અને સાયન હોસ્પિટલમાં પણ હોવાની ફરિયાદ થઇ રહી છે. આ બધી હોસ્પિટલોના એમ.આર.આઇ. વિભાગમાં દરરોજ લગભગ ૫૦-૬૦ દરદીઓ આવે છે. આમ છતાં ફક્ત ૧૨-૧૫ દરદીઓનાં જ એમ.આર.આઇ. કે સીટી સ્કેન થઇ શકે છે.
સાયન હોસ્પિટલના ડીન ડો. મોહન જોશીએ એવી સ્પષ્ટતા કરી હતી કે હાલ અમે દરરોજ ૨૫ દરદીઓના એમ.આર.આઇ. કરીએ છીએ. જોકે ખરેખર તો ૧૦૦ દરદીઓના એમ.આર.આઇ. રિપોર્ટ તૈયાર કરવાના હોય છે. એક દરદીની એમ.આર.આઇ. પ્રક્રિયા કરતાં લગભગ ૪૫ મિનિટ થાય છે. હાલ અમારી હોસ્પિટલમાં બે એમ.આર.આઇ. મશીન છે, જેમાંના એક મશીનનો ઉપયોગ વધુ થાય છે.