પાલિકાનું ફર્ટિલિટી ક્લિનિક મધ્યમ વર્ગના દંપતી માટે આશાનું કિરણ
ટએઆરટી લેવલ 1 સારવાર નજીવા ખર્ચે ઉપલબ્ધ થઈ
સફળતાથી પ્રેરાઈને વધુ આધુનિક એઆરટી લેવલ ટુ સારવાર પૂરી પાડવા ક્લિનિકનું વિસ્તરણ કરાશે
મુંબઈ : સાયન હોસ્પિટલ તરીકે ઓળખાતી પાલિકા સંચાલિત લોકમાન્ય ટિળક જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ વંધ્યત્વથી સંઘર્ષ કરતા ઓછી આવક ધરાવતા દંપતીઓ માટે આશાનું કિરણ બની છે. આ ક્લિનિકમાં ઓવ્યુલેશન ઈન્ડક્શન, ઈન્ટ્રાયુટરીન ઈનસેમિનેશન (આઈયુઆઈ), ફર્ટિલિટી દવાઓ અને માસિક મોનિટરીંગ સહિત આસિસ્ટેડ રિપ્રોડક્ટીવ ટેકનોલોજી (એઆરટી) લેવલ ૧ની સારવાર ઓછા દરે અપાય છે.
હાલ ઓછી આવક જૂથની ૧૫૫ મહિલાઓ આ સુવિધા ખાતે સારવાર મેળવી રહી છે જેમાંથી ૨૩ ગર્ભધારણ કરવામાં સફળ રહી છે. ક્લિનિકના દર નોંધપાત્ર છે જેમાં સમગ્ર એઆરટી લેવલ ૧ સારવાર માત્ર રૃા. ૨,૫૦૦માં અપાય છે. તેનાથી વિપરીત ખાનગી હોસ્પિટલમાં આ સારવારનો ખર્ચ રૃા. ૩૦ હજારથી ૬૦ હજાર પ્રતિ માસિક સાયકલ થાય છે.
પુરુષ દર્દીની ફર્ટિલિટી સારવાર માટે ડોક્ટરોની ટીમ એન્ડ્રોલોજી વિભાગ સાથે સહયોગ કરે છે. આઈયુઆઈ જેવી પ્રક્રિયામાં ચોક્કસ સમય માટે અલ્ટ્રાસાઉન્ડ સહિત જરૃરી મશીનોથી સજ્જ આ ક્લિનિકનો સફળતા દર નોંધપાત્ર છે.
પોલીસીસ્ટીક ઓવેરીયન સમસ્યાનું નિદાન થયેલી ૨૫ વર્ષીય યુવતીની હૃદયસ્પર્શી સફળતા દર્દીઓના જીવન પર ક્લિનિકની સકારાત્મક અસરનો પુરાવો છે. સારવાર પામેલા દર્દીઓની પ્રશંસાથી ક્લિનિકની સેવા વિશે જાણકારી ફેલાઈ છે. આ ક્લિનિક હવે વધુ આધુનિક એઆરટી પ્રક્રિયા, ખાસ કરીને એઆરટી લેવલ-ટુ સેવા સામેલ કરવા વિસ્તરણ કરી રહી છે.
હોસ્પિટલના ડીને માહિતી આપી કે ટૂંક સમયમાં જ એઆરટી લેવલ-ટુ સારવાર શરૃ કરવામાં આવશે. એક સામાજિક સંસ્થાએ એના માટે અઢી કરોડ રૃપિયાનું ડોનેશન આપ્યું છે.
ઓછી આવક ધરાવતા વર્ગને ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (આઈવીએફ) સેવાઓ નજીવા ખર્ચે પૂરી પાડવાની ક્લિનિકની પ્રતિબદ્ધતા દંપતીઓને બાળક જન્મ આપવાના તેમના સ્વપ્નને સાકાર કરવામાં સહાય કરે છે.