પર્વતા-નદીઓ બચાવોના નારા સાથે મુંબઈના રિવર એક્ટિવિસ્ટોની લદાખમાં મેરેથોન
17 હજાર ફૂટની ઊંચાઈ 3 ડિગ્રી તાપમાનમાં 21 કિમી દોડયા
આ મેરેથોન માટે મુંબઈમાં બે ક્વોલિફાઈંગ રાઉન્ડ થાય છે, દોડવીરોનું બીપી અને ઓક્સિજન ઘટી જતાં ઢળી પડયા
મુંબઈ : પર્વતો અને નદીઓ બચાવવાના મેસેજ સાથે મંબઈના કેટલાક રિવર એક્ટિવિસ્ટ લદાખમાં મેરેથોનમાં જોડાયા હતા. ૧૭ હજાર ફૂટની ઊંચાઈ ત્રણથી સાત ડિગ્રી તાપમાનમાં તેઓ ૨૧ કિમી સુધઈ દોડયા હતા. રિવર માર્ચ મુંબઈના સભ્યો પર્વતો તથા નદીઓ બચાવવાના નારા માટે લદાખ પહોંચ્યા હતા. ભારતના સૌથી ઊંચા શિખરોની આ મેરેથોન માં શારીરિક ક્ષમતા તથા સહન શક્તિની આકરી કસોટી સાથે તેમણે હિમાલય, પશ્ચિમ ઘાટ, પૂર્વી ઘાટ, વિંધ્ય અને ભારતના અન્ય પર્વતો અને પહાડોને બચાવવા માટે આહવાન કર્યું હતું.
આ વિશે માહિતી આપતાં રિવર માર્ચ-મુંબઈના અધ્યક્ષ ગોપાલ ઝવેરીએ 'ગુજરાત સમાચાર'ને કહયું હતું કે ં ગોપાલ ઝવેરીએ વધુમાં જણાવ્યું હતું કે 'સામાન્ય નાગરિકો અને પ્રકૃતિ પ્રેમીઓ તરીકે મેં અને પુષ્પરાજ શેટ્ટીએ દિલ્હીના ઈન્ડિયા ગેટથી પ્રવાસ શરૃ કર્યો હતો. મનાલીથી લઈને લે સુધી કુદરતી ઝાડ, પહાડ ોનું પ્રમાણ પણ ઓછું થતાં જોવા મળી રહયું છે. લદ્દાખમાં શરૃ થયેલી ૨૧ કિ.મી.ની આ મેરેથોન વખતે ૩ થી ૭ ડિગ્રીની ઠંડીનું વાતાવરણ વચ્ચે અમે જીવને જોખમમાં મૂકીને પણ ભાગ લીધો હતો. આ મેરેથોનમાં ભાગ લેવા માટે મુંબઈમાં પહેલાં બે ક્વોલીફાઈડ રાઉન્ડમાં પાસ થવું પડે છે. આ મેરેથોન દરમિયાન અમને જાણીતા પર્યાવરણવાદી અને ' થ્રી ઈડિયટ્સ ફેમ સોનમ વાંગચુક સાથે મળ્યાં હતા. તેમની સાથે પર્વતોને બચાવવાની રીતો અને માનવ જીવન પર બિનઆયોજિત વિકાસની અસર વિશે ચર્ચા કરાય હતી. મેરેથોન પૂર્ણ કર્યા બાદ અંતે મારું બ્લડ પ્રેશર અને ઓક્સિજન ઓછું થઈ જતાં હું રસ્તા પર જ પડી ગયો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણી નદીઓનું અસ્તિત્વ આ પર્વતો પર નિર્ભર છે. ગંગા, યમુના, સિંધુ અને બ્રહ્મપુત્રા હિમાલયમાંથી નીકળે છે, જ્યારે કૃષ્ણા અને ગોદાવરી નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે. દુર્ભાગ્યવશ, પર્વતોમાં વિનાશને કારણે, આપણી નદીઓ અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. 'આપણે તાજેતરના વર્ષોમાં ઉત્તરાખંડ અને હિમાલયમાં વિનાશક પૂર જોયા છે અને બદલાતી આબોહવાની પેટર્ન દેશના અન્ય પ્રદેશોને અસર કરી રહી છે. પાકિસ્તાનથી બાંગ્લાદેશ સુધી વિશ્વની ૫૦% વસ્તીને ટેકો આપવા માટે હિમાલય જવાબદાર છે. જો કે, રસ્તાઓ, એરપોર્ટ, શહેરની માળખાકીય સુવિધાઓ અને ડેમ જેવા વિકાસના પ્રોજેક્ટ્સ આપણા પર્વતો અને નદીઓને નુકસાન પહોંચાડી રહ્યા છે જે આખરે આપણા જંગલો અને માનવ જીવનને અસર કરે છે.આપણું રાષ્ટ્રગીત કહે છે, 'વિદ્યા હિમાચલ યમુના ગંગા...આ રાષ્ટ્ર આ નદીઓ વિના અસ્તિત્વમાં નથી.