મુંબઈની હોટલને ઉડાવી દેવાની ધમકી: 4 જગ્યાએ બોમ્બ મુક્યા છે,5 કરોડ આપો નહીંતર..
નવી દિલ્હી,તા.23 ઓગસ્ટ 2022,મંગળવાર
મુંબઈની જાણીતી ફાઈવ સ્ટાર હોટલ લલિતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસ દોડતી થઈ ગઈ છે.
મળતી વિગતો પ્રમાણે કોઈ અજાણ્યા વ્યક્તિએ હોટલ લલિતમાં ફોન કર્યો હતો અને ધમકી આપી હતી કે, હોટલમાં ચાર જગ્યાએ બોમ્બ પ્લાન્ટ કરાયા છે. ફોન કરનારાએ બોમ્બ ડિફ્યુઝ કરવા માટે પાંચ કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
હોટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલાએ હોટલમાં ચેકિંગ કર્યુ હતુ પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. એ પછી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ખંડણી માંગવાનો અને ધમકી આપવાનો ગુનો દાખલ કર્યો છે.
તાજેતરમાં મુંબઈ ટ્રાફિક પોલીસને પણ મુંબઈમાં 26 નવેમ્બર જેવો હુમલો કરવાની ધમકી મળી હતી. ધમકી આપનારે ટ્રાફિક કંટ્રોલના વોટસએપ નંબર પર મેસેજ મોકલ્યો હતો. જેમાં કહેવાયુ હતુ કે, મુંબઈમાં 26 નવેમ્બર જેવો હુમલો થવાની આશંકા છે.
મેસેજ મોકલનારે કહ્યુ હતુ કે,મારૂ લોકેશન શોધવાનો પ્રયાસ કરશો તો તે ભારત બહારનુ દેખાશે પણ મુંબઈમાં બ્લાસ્ટ થશે. છ લોકોની ટીમ બ્લાસ્ટને અંજામ આપશે. આ મેસેજ પાકિસ્તાનના નંબર પરથી મોકલવામાં આવ્યો હતો.
મુંબઈ પોલીસ હજી પણ આ ધમકી ભર્યા કોલની તપાસ કરી રહી છે અને હવે ફાઈવ સ્ટાર હોટલને ઉડાવી દેવાની ધમકી મળી છે.