મુંબઈની જીવાદોરી ખુદ જોખમી, લોકલ ટ્રેનામાં ફાયર સેફ્ટી સિસ્ટમ જ નથી
ગીચોગીચ પ્રવાસ કરતા લાખો લોકો પર મોટું જોખમ
ફાયર એલાર્મ કે ઓટોમેટિક પ્રોટેક્શનની કોઈ જોગવાઈ નહીં ઃરેલવે પંચની સેફટી ગાઈડલાઈન્સનો છેદ ઉડાડી દેવાયો
મુંબઈ : મુંબઈના લાખો લોકોની જીવાદોરી મનાતી લોકલ ટ્રેનોમાં ઓટોમેટીક ફાયર સેફ્ટી પ્રિવેન્શન સિસ્ટમનો અભાવ હોવાનું ખુદ રેલવે તંત્રએ જ કબૂલ્યું છે. લોકલના પ્રવાસીઓ રોજ જીવના જોખમે પ્રવાસ કરે છે.
આરટીઆઈમાં થયેલા ખુલાસામાં જાણવા મળ્યું છે કે સેન્ટ્રલ, હાર્બર અને પશ્ચિમ રેલવે એમ ત્રણેય લાઈનો પર ચાલતી ટ્રેનોમાં કોઈ ઓટોમેટીક ફાયર સેફ્ટી પ્રિવેન્શન સિસ્ટમ નથી. એક્ટિવિસ્ટ સમીર ઝવેરીએ તાજેતરમાં માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ હેઠળ મુંબઈ રેલવે પ્રશાસન પાસેથી વિવિધ મુદ્દાઓ પર માહિતી માગી હતી. આરટીઆઈમાં તેમને મળેલી માહિતીમાં ચોંકાવનારી વાત એ હતી કે 'કોઈ પણ લોકલ ટ્રેનમાં આગ લાગે તો તે સમયે ઓટોમેટિક એલાર્મ અને ફાયર પ્રોટેક્શન સિસ્ટમ ઉપલબ્ધ નથી.
ઝવેરીએ ધ્યાન દોર્યું છે કે આ વર્ષે ફાયર સેફ્ટી અંગે ભારત સરકારના રેલવે મંત્રાલયના રેલવે કમિશન દ્વારા કરાયેલી ભલામણોમાં દરેક ટ્રેન અને દરેક રેલવે સ્ટેશનમાં ઓટોમેટિક ફાયર ડિટેક્શનનો સમાવેશ થાય છે. ડેન્જર વોનગ સિસ્ટમ અને રેસ્ક્યુ સિસ્ટમ ઉપલબ્ધ હોવી જોઈએ. પરંતુ વાસ્તવમાં મુંબઈની કોઈપણ લોકલમાં ત્રણેય લાઈનો પર આવી કોઈ સિસ્ટમ ઉપલબ્ધ નથી.
જોકે સેન્ટ્રલ રેલવેએ દાવો કર્યો છે કે દરેક લોકલમાં મોટરમેન અને ગાર્ડ, ટ્રેન મેનેજર હોય છે. તેમની કેબિનોમાં અગ્નિશામક સામગ્રી હોય છે. લોકલો દરેક સ્ટેશને બે મિનિટે થોભે છે. જેથી આગ લાગવાની સ્થિતિમાં તરત જ સ્ટેશનેથી મદદ મળી શકે છે. સ્ટેશન પરની રેસ્ક્યુ ઇન્સ્ટ્ˆમેન્ટ સિસ્ટમ કામમાં આવે છે. તેથી જ દરેક ફાયર સેફ્ટી પ્રિવેન્શન સિસ્ટમની જરૃર નથી.
જ્યારે આ બાબતે ઝવેરીનું કહેવું છે કે બુલેટ ટ્રેન પાછળ આટલો ખર્ચ કરવાને બદલે રોજના ૭૫ લાખ લોકો જેમાં પ્રવાસ કરે છે એ ટ્રેનોમાં સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. ધારો કે ટ્રેન એક સ્ટેશનથી શરૃ થાય અને બીજા સ્ટેશને પહોંચે તે પહેલાં આગ લાગી જાય અને જ્યારે રાત્રીનો સમય હોય ત્યારે આગ કેવી રીતે અટકાવવી તેની રેલવે પ્રશાસન પાસે કોઈ વ્યવસ્થા નથી. તેની માહિતી ખુદ રેલવે પ્રશાસને માહિતી અધિકાર હેઠળ કાયદેસર અરજી કર્યા બાદ આપી છે.