હિજાબ બાદ દેશની આ કોલેજોમાં ફાટેલાં જીન્સ-ટીશર્ટ ઉપર પણ પ્રતિબંધ, હાઈકોર્ટની મંજૂરી બાદ નિર્ણય
Image : IANS |
Ban on Jeans T-shirt Mumbai College: મુંબઈની આચાર્ય અત્રે કોલેજમાં હિજાબના પ્રતિબંધ બાદ ફાટેલાં જીન્સ અને ટી-શર્ટે પર પ્રતિબંધ મૂકાયો છે. ચેમ્બૂરની આ કૉલેજે હિજાબ પર મૂકેલો પ્રતિબંધ યોગ્ય હોવાનો નિર્ણય મુંબઈ હાઈકોર્ટે ૨૬ જૂનના રોજ આપ્યો હતો. ત્યારબાદ કૉલેજે હવે ટીશર્ટ અને ફાટેલાં જીન્સ પર પ્રતિબંધ મૂકતાં વિદ્યાર્થીઓને આંચકો લાગ્યો છે.
કૉલેજે 27 જૂનથી ડ્રેસ કોડનો નિયમ લાગુ કર્યો છે. તે મુજબ, ફાટેલાં જીન્સ, ટી-શર્ટ, અંગ પ્રદર્શિત કરતાં કપડાં, જર્સી પર પ્રતિબંધ મૂકાયો છે. પ્રાચાર્યની સહી ધરાવતાં આ સૂચના પત્રમાં સ્પષ્ટ કરાયું છે કે, વિદ્યાર્થીઓએ કૉલેજ પરિસરમાં ફોર્મલ વસ્ત્રો પહેરવાં. હાફ શર્ટ, ફૂલ શર્ટ અને પેન્ટ પહેરવા પર પ્રતિબંધ નથી. વિદ્યાર્થિનીઓ કોઈપણ ભારતીય પોશાક પહેરી શકે છે. જોકે ધર્મનું પ્રતિનિધિત્વ કરે તેવા કોઈ વસ્ત્રો વિદ્યાર્થિનીઓએ પહેરવા નહીં. જો વિદ્યાર્થિનીએ બૂરખા, નકાબ, ટોપી, સ્ટોલ જેવું કંઈ પહેર્યું હોય તો તે કોમન રુમમાં જઈ કાઢી નાખવાનું રહેશે, એવું પણ નોટીસમાં જણાવ્યું છે.
ગોવંડી સિટીઝન્સ એસોસિએશનના કેટલાંક સભ્યોએ વિદ્યાર્થીઓ સાથે આ ડ્રેસ કોડ સામે વાંધો ઉઠાવ્યો છે કે, ફાટેલાં જીન્સ-ટીશર્ટ એ કોઈ નિશ્ચિત ધર્મના લોકો પહેરતાં ન હોઈ તે સર્વધર્મીય વિદ્યાર્થીઓ પહેરતાં હોવાથી તેના પર પ્રતિબંધ મૂકવો એ અવ્યવહારુ છે. આ સંબંધે કૉલેજના પ્રાચાર્યએ એવું જણાવ્યું હતું કે, અમે વિદ્યાર્થીઓને કોર્પોરેટ વિશ્વ માટે તૈયાર કરી રહ્યાં છીએ. આથી વિદ્યાર્થીઓ સભ્ય દેખાય એવા કપડાં પહેરે તેવી અમારી ઈચ્છા છે.
અમે તેમના પર કોઈ યુનિફોર્મનું બંધન નાંખ્યું નથી. ફક્ત તેમને ફોર્મલ્સ પહેરવા જણાવ્યું છે. તેઓ કૉલેજ બાદ જ્યારે નોકરી કે પોતાના વ્યવસાય માટે જશે ત્યારે તેમને આવા જ વસ્ત્રો પહેરવા પડશે. એડમિશનના સમયે જ અમે વિદ્યાર્થીઓને ડ્રેસકોડની માહિતી આપી દઈએ છીએ. આખા વર્ષમાં વિદ્યાર્થીઓ માંડ 120થી 130 દિવસ કૉલેજમાં આવતાં હોય છે. ત્યારે તેમને ફોર્મલ્સ અને ડ્રેસકોડનું પાલન કરવામાં શું વાંધો છે? એવો પ્રશ્ન પણ તેમણે ઉપસ્થિત કર્યો હતો.