Get The App

સાત મહિનામાં મુંબઈગરા લાખો લીટર વિદેશી દારૂ ગટગટાવી ગયા

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
સાત મહિનામાં મુંબઈગરા લાખો લીટર વિદેશી દારૂ ગટગટાવી ગયા 1 - image


દેશી દારૂ પીનારા પણ બ્રાન્ડેડ તરફ વળ્યા

થાણે અને મુંબઈમાં ગયા વર્ષની સરખામણીએ દારૂ અને બીયરનું વેચાણ વધતા સરકારની આવક પણ વધી

મુંબઈ: પીવા અને પીવડાવવાના મામલે મુંબઈ ઉપનગરવાસીઓએ શહેરીજનોને પાછળ મુકી દીધા છે.  આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર દરમ્યાન શહેરના લોકોએ ૧૩૮.૫ લાખ લીટર દારૂ પીધો હતો જ્યારે ઉપનગરવાસીઓએ ૩૪૫.૨૩ લાખ લીટર પીધો હતો. દારૂની સાથે બીયરના મામલે પણ ઉપનગરવાસીઓએ શહેરીજનો કરતા આગળ હતા. આ જ સમય દરમ્યાન શહેરમાં ૧૦૪.૫૫ લાખ લીટર બીયર વેંચાયો હતો જ્યારે ઉપનગરમાં ૩૧૪.૯૦ લાખ લીટર વેંચાયો હતો. બીજી તરફ થાણેવાસીઓએ આ સમય દરમ્યાન ૫૫૮.૭૮ લાખ લીટર વિદેશી દારૂ અને અને ૯૮૮ લાખ લીટર બીયરનું સેવન કર્યું હતું.

એક્સાઈઝ વિભાગના જણાવ્યા અનુસાર બીયર અને દારૂ બાબતે લોકોની પસંદમાં ફેરફાર થઈ રહ્યો છે. કન્ટ્રી પીનારા પણ હવે બ્રાન્ડેડ દારૂ પીવા લાગ્યા છે. મુંબઈ અને થાણે વિસ્તારમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે કન્ટ્રી દારૂના વેચાણમાં મામુલી વધારો થયો છે જ્યારે ભારતમાં જ બનેલી બ્રાન્ડેડ દારૂના વેચાણમાં જોરદાર ઉછાળો આવ્યો છે.

મુંબઈ સહિત થાણે વિસ્તારમાં દારૂના વેચાણમાં વૃદ્ધિ થવાથી સરકારને તેમાંથી થતી કમાણીમાં પણ ૧૩૮.૩૮ કરોડ રૂપિયાની વૃદ્ધિ થઈ છે. ગયા વર્ષે છ મહિનામાં દારૂ અને બીયરના વેચાણથી સરકારને રૂા. ૧૭૧૯.૧૬ કરોડની આવક થઈ હતી જ્યારે આ વર્ષે રૂા. ૧૮૫૭.૫૪ કરોડની આવક થઈ છે.

હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ અધ્યક્ષના મતે દેશમાં જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ નાગરિકોની આવક પણ વધતી જાય છે. આવક વધવાને કારણે દેશી દારૂ પીનારા પણ બ્રાન્ડેડ દારૂ પીવા લાગ્યા છે. એવી જ રીતે વધુ શોખીનો બાર અને રેસ્ટોરન્ટમાં જઈને દારૂ પીતા થયા છે. વિદેશોમાં ભોજન સાથે વાઈન પીવાનું ચલણ છે, પણ ભારતમાં ઘણા શોખીનોએ ભોજન સાથે દારૂ પીવાનું શરૂ કરી દીધું છે.


Google NewsGoogle News