મુંબઇગરાં માણી રહ્યાં છે ગમતીલો ઠંડો માહોલ : મહારાષ્ટ્ર થીજી ગયું
મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે 20.4 ડિગ્રીનો મોટો તફાવત
મહારાષ્ટ્રનાં 20 શહેરમાં ઠંડીનો પારો 5થી 9 ડિગ્રી : પુણે,જાલના,અહિલ્યાનગર, બીડ,ગોંદિયામાં કોલ્ડવેવ
મુંબઇ : મુંબઇગરાં છેલ્લા બે દિવસથી ફૂલગુલાબી ઠંડીનો આનંદ માણી રહ્યાં છે. આજે ૧૬, ડિસેમ્બરે પણ મુંબઇ(સાંતાક્રૂઝ)માં લઘુત્તમ તાપમાન ૧૪.૦ ડિગ્રી સેલ્સિયસજેટલું ટાઢુંબોળ નોંધાયું હતું. ખાસ કરીને પૂર્વનાં અને પશ્ચિમનાં પરાંમાં વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાય છે.
હવામાન વિભાગે એવી માહિતી આપી હતી કે છેલ્લા ૪૮ કલાક દરમિયાન મુંબઇમાં લઘુત્તમ તાપમાનમાં ૬.૧ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. ૧૪, ડિસેમ્બરે લઘુત્તમ તાપમાન ૨૦.૧ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જોકે આજે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૪.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એટલે આજે મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે ૨૦.૪ ડિગ્રી સેલ્સિયસ જેટલો મોટો તફાવત પણ રહ્યો હતો.
આજે ૩૪.૮ ડિગ્રી સેલ્સિયસ સાથે મુંબઇ સતત બીજા દિવસે પણ આખા મહારાષ્ટ્રનું સૌથી ઠંડું રહ્યું હતું. જ્યારે જેઉર પાંચ(૫.૦) ડિગ્રી સેલ્સિયસ સાથે આખા રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું.
આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૦ અને લઘુત્તમ તાપમાન ૧૯.૮ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૪.૮ અને લઘુત્તમ તાપમાન ૧૪.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ઘટીને ફક્ત ૪૦ ટકા રહ્યું હતું.
બીજીબાજુ આજે મહારાષ્ટ્રનાં ૨૦ શહેરોમાં ઠંડીનો પારો પાંચ(૫) ડિગ્રીથી નવ(૯) ડિગ્રી સેલ્સિયસ વચ્ચે અત્યંત બરફીલો નોંધાયો હોવાના સમાચાર મળે છે.
હવામાન વિભાગે આજે રાજ્યનાં અહિલ્યાનગર,પુણે,જાલના,છત્રપતિ સંભાજીનગર, બીડ, ગોંદિયામાં સતત બીજા દિવસે પણ કોલ્ડ વેવ(ઠંડીનુંમોજું)ની ચેતવણી જારી કરી હતી.
હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)નાં ડાયરેક્ટર સુષમા નાયરે ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે ગઇકાલે ગુજરાત અને મહારાષ્ટ્ર પર જે એન્ટિ સાયકલોનિક સર્ક્યુલેશનની તીવ્ર અસર હતી તે આજે થોડી ઓછી થઇ છે. એટલે હજી મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં હજી ઠંડો અને ગમતીલો માહોલ રહેવાની શક્યતા છે.હાલ મુંબઇ --મહારાષ્ટ્ર પર પૂર્વ --ઉત્તર--પૂર્વ દિશાના ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. હજી આવતા ચાર દિવસ(૧૭થી ૨૦, ડિસેમ્બર) દરમિયાન મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં હવામાન સૂકું રહેશે.
જોકે ૧૯, ડિસેમ્બર બાદ મુંબઇમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થાય તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે.
આજે મહારાષ્ટ્રના અહમદનગરમાં ઠંડીનો પારો ૫.૫ ડિગ્રી જેટલો અત્યંત ટાઢોબોળ રહ્યો હતો.મોહોલ -૬.૦, બીડ-૭.૫,નાંદેડ-૭.૬,ઉદગીર-૭.૭,જળગાંવ-૭.૮,તુળગા-૮.૩,નાશિક-૯.૪, ઉસ્માનાબાદ-૯.૪,માલેગાંવ-૯.૬,નંદુરબાર-૯.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. વિદર્ભનાં ગોંદિયા -૭.૪,નાગપુર-૮.૪,ગઢચિરોળી-૯.૦ ડિગ્રી સેલ્સિયસ રહ્યો હોવાના સમાચાર મળે છે.