મુંબઈમાં ઓનલાઈન ઓર્ડર કરેલી આઈસ્ક્રીમમાંથી નીકળી માણસની કપાયેલી આંગળી, કેસ નોંધાયો
Image Source: Twitter
Mumbai Ice Cream Case: મુંબઈના મલાડ વિસ્તારમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક ડોક્ટરે દાવો કર્યો છે કે, આઈસ્ક્રીમ કોનમાંથી માણસની કપાયેલી આંગળી નીકળી. ડોક્ટરે તેની તસવીર શેર કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. ડોક્ટરે જણાવ્યું કે મેં આ આઈસ્ક્રીમ ઓનલાઈન ઓર્ડર કરી હતી.
પ્રાથમિક તપાસમાં પોલીસનું કહેવું છે કે, આઈસ્ક્રીમ કોનમાં માનવ અંગ છે. પોલીસે વધુ પુષ્ટિ માટે આઈસ્ક્રીમમાં મળેલા માનવ અંગને FSLમાં મોકલી આપ્યા છે.
શું છે દાવો?
ડોક્ટરે દાવો કર્યો કે, મેં અડધા કરતા વધુ આઈસ્ક્રીમ ખાઈ પણ લીધી હતી પરંતુ મને તેમાં કંઈક ગડબડ જણાઈ અને આઈસ્ક્રીમમાં જોયું તો તેમાં માણસની કપાયેલી આંગળી હતી. બીજી તરફ પોલીસે કહ્યું કે, એક ડોક્ટરે ઓનલાઈન ઓર્ડર કરેલા આઈસ્ક્રીમના કોનમાંથી માણસની આંગળીનો ટુકડો મળ્યો છે. ત્યારબાદ ડોક્ટર યુવક મલાડ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. મલાડ પોલીસે યુમ્મો આઈસ્ક્રીમ કંપની સામે કેસ નોંધીને આઈસ્ક્રીમને તપાસ માટે મોકલી આપી છે. આઈસ્ક્રીમમાં મળેલા માનવ અંગને FSLમાં મોકલી આપ્યા છે.
આઈસ્ક્રીમમાંથી 2 સેમી લાંબો માનવ આંગળીનો ટુકડો નીકળ્યો
ઓરલેમ નિવાસી બ્રેન્ડન સેરાઓ (27)એ બુધવારે ઓનલાઈન ડિલિવરી એપ દ્વારા આઈસ્ક્રીમ કોનનો ઓર્ડર આપ્યો તો તેને એ વાતનો અંદાજો નહોતો કે, મને મોટો ઝટકો લાગશે. ડોક્ટરે જણાવ્યું કે આઈસ્ક્રીમની અંદર લગભગ 2 સેમી લાંબો માનવ આંગળીનો ટુકડો હતો. યુવક વ્યવસાયે MBBS ડોક્ટર છે.
ડોક્ટર યુવકની બહેન સવારે ઓનલાઈન ડિલિવરી એપ દ્વારા કરિયાણાના સામાનનો ઓર્ડર આપી રહી હતી ત્યારે તેણે તેને યાદીમાં ત્રણ બટરસ્કોચ કોન આઈસ્ક્રીમ એડ કરવા કહ્યું. આઈસ્ક્રીમની ડિલિવરી થતાં તેણે કોન ખોલ્યો અને આંગળીનો ટુકડો તેમાંથી નીકળ્યો. તેણે આ ઘટના અંગે મલાડ પોલીસને જાણ કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આઈસ્ક્રીમ જ્યાંથી બનાવવામાં આવ્યો હતો અને પેક કરવામાં આવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવશે.