મુંબઈ યુનિ.ની 21મી નવેમ્બરની પરીક્ષા હવે 14 ડિસેમ્બરે થશે
વિદ્યાર્થીઓની માગણી માન્ય રખાઈ
અનેક વિદ્યાર્થીઓ મતદાનના બીજા જ દિવસે પાછા ફરી શકે તેમ ન હોવાથી નિર્ણય
મુંબઈ : રાજ્યની વિધાનસભા ચૂંટણીના મતદાન માટે જનારા વિદ્યાર્થીઓને મુંબઈ યુનિવર્સિટીએ રાહત આપી છે. ચૂંટણીના કામ, સેન્ટર અને વિદ્યાર્થીઓની સુવિધા માટે યુનિવર્સિટીએ ૧૯ અને ૨૦ નવેમ્બરની પરીક્ષા પાછળ ધકેલી હતી. પરંતુ હવે ૨૧ નવેમ્બરની પરીક્ષાની તારીખ પણ પાછળ ધકેલી છે. આ પરીક્ષા ૧૪ ડિસેમ્બરના રોજ થશે.
મુંબઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલ અનેક કૉલેજોમાં મતદાન કેન્દ્ર હોય છે. તેમજ યુનિવર્સિટીના કાલિના કેમ્પસની કેટલીક બિલ્ડીંગોમાં પણ મતદાન કેન્દ્રો અને ચૂંટણી અધિકારીઓની ઓફિસ બનાવાય છે. જેને પગલે યુનિવર્સિટીએ ૧૯ નવેમ્બરના થનારી વિવિધ પરીક્ષાઓ ૩૦ નવેમ્બરના તો મતદાનને દિવસે અર્થાત્ ૨૦મીએ થનારી પરીક્ષાઓ સાતમી ડિસેમ્બરે ધકેલી હતી.
પરંતુ અનેક વિદ્યાર્થીઓએ એવી માગણી કરી હતી કે તેઓ પોતાને ગામડે મતદાન કરવા જશે તો એક જ દિવસમાં પાછા આવી શકશે નહીં. આથી ૨૧ તારીખની પરીક્ષા પણ મોકૂફ કરવામાં આવે. જોકે આ વાત માન્ય રાખી યુનિવર્સિટીએ હવે ૨૧મીની પરીક્ષા પાછળ ધકેલી ૧૪ ડિસેમ્બરના રોજ કરાઈ છે, એવું મુંબઈ યુનિવર્સિટીએ સર્ક્યુલર દ્વારા જાહેર કર્યું છે.