મુંબઈ યુનિવર્સિટી મંદિર કેમ ચલાવવું તે શીખવાડતા કોર્સ શરુ કરશે
જૂનથી સર્ટિ. અને ડિપ્લોમા કોર્સનો પ્રારંભ
તાલીમાર્થીઓને 3 મહિના દેશના ટોચના મંદિરોમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે પણ મોકલાશે
મુંબઈ : મુંબઈ યુનિવર્સિટી આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫થી મંદિર વ્યવસ્થાપન (ટેમ્પલ મેનેજમેન્ટ) કોર્સ શરુ કરી રહી છે. મુંબઈ યુનિવર્સિટીનું હિંદુ અધ્યાસન કેન્દ્ર આ વિષયમાં છ મહિનાનો સર્ટીફિકેટ કોર્સ અને ૧૨ મહિનાનો ડિપ્લોમા કોર્સ ચલાવાશે.
જૂન ૨૦૨૪થી આ કોર્સની એડમિશન પ્રક્રિયા શરુ થઈ રહી છે. સામાન્ય લોકો મંદિરના મેનેજમેન્ટ, પ્રશાસન અને સંગઠન બાબતે જાગૃત થાય એવા વ્યાપક દ્રષ્ટિકોણથી આ કોર્સ શરુ કરાયો છે. મંદિર વ્યવસ્થાપન કોર્સમાં ભારતીય જ્ઞાાન પરંપરા, મેનેજમેન્ટ સાયન્સના મહત્ત્વના સૂત્રો તથા તત્વો, સ્થાપત્ય, ભીડનું વ્યવસ્થાપન, માહિતી અને તંત્રજ્ઞાાનનો ઉપયોગ, પર્યાવરણ અને પરિસરપૂરક અનુસંધાનરુપ વિષયો પર પ્રકાશ પડાશે. ખાસ તો એ કે આ સર્ટીફિકેટ તથા ડિપ્લોમા કોર્સમાં ત્રણ મહિનાની ઈન્ટર્નશીપ પણ હશે. જેમાં મુંબઈ સહિત મહારાષ્ટ્ર અને દેશભરના વિવિધ મંદિરોમાં પ્રત્યક્ષ અનુભવ આધારિત તાલીમ ઉપલબ્ધ કરી અપાશે.
આ કોર્સથી વિદ્યાર્થીઓ ભારતીય જ્ઞાાન પરંપરા તથા મેનેજમેન્ટ સંબંધિત બાબતોથી પરિચિત થશે. વિદ્યાર્થીઓને મંદિર વ્યવસ્થાપનના ક્ષેત્રમાં રોજગારની તક ઉપલબ્ધ થઈ શકશે. આ કોર્સમાં વિદ્યાર્થીઓના પ્રતિસાદને ધ્યાનમાં લઈ બાદમાં 'એમબીએ ઈન ટેમ્પલ મેનેજમેન્ટ' કોર્સ પણ શરુ કરવાનો યુનિવર્સિટીનો વિચાર છે.